જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ તાજેતરની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કરી દીધો છે. દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે કિશ્તવડ વિસ્તારમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર વાળી ચંદ અને રશ્ભાળના ગોળીઓથી વિંધાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને જવાનો ભારે હથિયારો સાથે પગપાળા પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેમના મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. તપાસ દરમિયાન તેમના શબ મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે અને આશંકા છે કે હુમલાખોરો તેમના અત્યાધુનિક હથિયારો તથા કારતૂસો પણ સાથે લૂંટીને ફરાર થઈ ગયા છે.
આ ઘટનાના થોડા કલાકો પહેલા જ કુલગામ સ્થિત સીઆરપીએફના એક કેમ્પ પર મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ અચાનક આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં સુરક્ષાદળના ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી 'પાસદારાન-એ-હુર્રિયત કાશ્મીર' નામના એક નવા શેડો સંગ્રથે લીધી છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ હુમલા પાછળ સ્થાનિક આતંકીઓ મોહમ્મદ લતીફ ભટ અને બિલાલ મહમદ મીરની સંડોવણી છે, જેઓ પાકિસ્તાનમાં તાલીમ મેળવીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા.
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર ઘટનાક્રમ પર કડક નજર રાખી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. આતંકી સંગઠન દ્વારા જારી કરાયેલા ધમકીભર્યા પત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને હિન્દુત્વ શાસન પર આગામી સમયમાં વધુ હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે, જેના પગલે ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સીઆરપીએફના સ્પેશિયલ ડીજી તાત્કાલિક શ્રીનગર દોડી આવ્યા છે અને સુરક્ષા દળો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આતંકી વિરોધી અભિયાન વધુ તેજ કરવાના આદેશો આપ્યા છે.
