જામનગર શહેરના મધ્યમાં આવેલી પંચવટી સોસાયટીમાં મોદી સ્કૂલ પાછળ ધમધમતા મોહન એપાર્ટમેન્ટમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક ગુના નિવારક શાખા (LCB) ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા. ૧,૮૩,૧૩૮ નો મુદ્દામાલ જપ્ત કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે.
આ સફળ ઓપરેશન રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. LCB પી.આઈ. વી.બી. ચૌધરીની રાહબરીમાં પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન સ્ટાફના કર્મચારીઓને આ ફ્લેટમાં દારૂ સંગ્રહિત હોવાની ગુપ્ત માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ફ્લેટમાં રહેતા લખમણભાઈ હુંણ નામના શખ્સને દબોચી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામનો વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી દારૂના નેટવર્ક અંગે મહત્વના ખુલાસા થયા છે. આ વિદેશી દારૂનો જથ્થો પોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારમાં આવેલા માલદીવારી નેશમાં રહેતા બાલુ કોડિયાતરે સપ્લાયર કર્યો હોવાનું બહાર આવ્યું છે. ફરાર મુખ્ય સપ્લાયર મૂળ રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખોડિયાર નેશનો વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ જામનગર પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
