JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર: ૧૧૨ ગંભીર બીમારીઓની સારવાર હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ મળશે

| By JAMNAGAR MIRROR
આયુષ્માન ભારત યોજનામાં મોટો ફેરફાર: ૧૧૨ ગંભીર બીમારીઓની સારવાર હવે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ મળશે
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી દ્વારા આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી કરવામાં આવી છે, જે અંતર્ગત ૧૧૨ જેટલી બીમારીઓના પેકેજ ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી ૧ ડિસેમ્બરથી આ નવી યાદી લાગુ કરવા માટે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી દેવાઈ છે.

દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના ગણાતી આયુષ્માન ભારત યોજનામાં ટૂંક સમયમાં જ એક વ્યાપક પરિવર્તન જોવા મળશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, કુલ ૧૧૨ બીમારીઓના પેકેજો અને ઓપરેશનો ખાનગી હોસ્પિટલોના વ્યાપમાંથી બહાર કરી દેવામાં આવશે અને તે માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ રહેશે. અગાઉ આ હેતુ માટે ૨૩ પેકેજો અનામત રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાં વધુ ૮૯ પેકેજોનો ઉમેરો કરીને કુલ ૧૧૨ બીમારીઓની સારવાર સરકારી તંત્ર હસ્તક કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય ઓથોરિટીને સ્પષ્ટ દિશા-નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જોકે કયા પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા તેનો આખરી નિર્ણય લેવાની સત્તા સંબંધિત રાજ્યોના હાથમાં રાખવામાં આવી છે.

આ આરક્ષિત કરવામાં આવેલી યાદીમાં તબીબી વિજ્ઞાનના વિવિધ મહત્વપૂર્ણ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા (જનરલ સર્જરી), માનસિક રોગ, જનરલ મેડિસીન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ENT) તેમજ નેત્ર રોગ વિભાગ સાથે સંકળાયેલી અનેક બીમારીઓનો સમાવેશ થાય છે. દર્દીઓને ડે કેર સારવાર, મોટી શસ્ત્રક્રિયાઓ અને લાંબી બિમારીઓના ઉપચાર માટે હવે સરકારી હોસ્પિટલોનો જ રૂખ કરવો પડશે. આ યાદીમાં ખાસ કરીને હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા, પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન, મોતિયાબિંદ, માનસિક વિકાર, ચિંતા, હાડકાનું ફ્રેક્ચર અને ઈએનટી લગતી વિવિધ સારવારોનો મુખ્યત્વે સમાવેશ કરાયો છે.

આ યોજનાકીય બદલાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી હોસ્પિટલો પર વધતા જતા નાણાકીય ભારણને અટકાવવાનો અને સરકારી આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થાથી સરકાર ખર્ચમાં ઘટાડો કરી શકશે અને સાથે જ સરકારી હોસ્પિટલોની સુવિધાઓ સુધરીને સામાન્ય દર્દીઓને સીધો અને ગુણવત્તાસભર લાભ મળી રહેશે. નોંધનીય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના કેટલાક અગ્રેસર રાજ્યોમાં આ પ્રકારની વ્યવસ્થા અગાઉથી જ આંશિક સ્વરૂપે અમલમાં છે, ત્યારે હવે દેશવ્યાપી સ્તરે તેને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે.

LATEST ARTICLES