ગુજરાતી સિનેમા જગતથી લઈને તેલુગુ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય પ્રતિભાથી આગવી ઓળખ બનાવનાર લોકપ્રિય અભિનેત્રી મોનલ ગજ્જરે તાજેતરમાં જ એક ચોંકાવનારો ખુલાસો કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 'સુદીગાડુ' ફિલ્મથી અભિનયક્ષેત્રે પદાર્પણ કરનાર અને તેલુગુ 'બિગ બોસ'ની ચોથી સિઝનમાં પોતાના દમદાર દેખાવથી દર્શકોના દિલ જીતનારી મોનલ ગજ્જરે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેમને પેપિલરી થાઇરોઇડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ ખબર સામે આવતા જ તેમના ચાહકો અને ફિલ્મ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ અભિનૈત્રીની હિંમતે આ મુશ્કેલ સમયનો સામનો કર્યો હતો.
તબીબી તપાસ દરમિયાન ગંભીર બીમારી હોવાનું ધ્યાને આવતા જ મોનલ ગજ્જરે સમય બગાડ્યા વિના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લીધી હતી અને તાત્કાલિક ધોરણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો. સદનસીબે આ જટિલ ઓપરેશન સફળ રહ્યું હતું અને હાલ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્સર જેવી ગંભીર બીમારી સામેની આ લડાઈ જીત્યા બાદ મોનલે પોતાના ચાહકો અને શુભેચ્છકો સાથે આ સંઘર્ષની વાતો ખુલીને શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેમના આ ડેરિંગ અંદાજ અને હિંમતની ભારે પ્રશંસા થઈ રહી છે, સાથે જ દેશભરમાંથી તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વર્ષાઈ રહી છે.
આ સમગ્ર ઘટનામાંથી પ્રેરણા લઈને અભિનેત્રીએ પોતાના ચાહકોને એક અત્યંત મહત્વપૂર્ણ અને જીવનઉપયોગી સંદેશ આપ્યો છે. તેમણે સૌને અપીલ કરી છે કે કરિયર અને વ્યસ્ત દિનચર્યા ગમે તેટલી ભારે હોય, પરંતુ પોતાના સ્વાસ્થ્યને ક્યારેય પ્રાથમિકતામાંથી ન હટાવવું જોઈએ. શરીર દ્વારા આપવામાં આવતા નાના-મોટા સંકેતો કે બીમારીના લક્ષણોની અવગણના ન કરતા નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું અનિવાર્ય છે. આ સાથે તેમણે ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ મેળવવા માટે HPV રસીકરણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી અન્ય લોકો સમયસર જાગૃત બની શકે.
