આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના પાયા સમાન ચિપ્સ બનાવતી અબજો ડોલરની વૈશ્વિક કંપની એનવીડિયાના સર્વેસવા સામાજિક અને વ્યાવસાયિક મોરચે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ૬૩ વર્ષીય જેન્સેન હુઆંગ, જેમની વ્યક્તિગત સંપત્તિ ૧૫૦ અબજ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, તેમણે તાજેતરમાં ઊભી થયેલી વિવાદોની હારમાળા બાદ પદ છોડવું પડ્યું છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, હુઆંગના સંબંધો એક એવી મહિલા સાથે હોવાનું સામે આવ્યું હતું જેને અમેરિકન અધિકારીઓએ ચીની જાસૂસ તરીકે ઓળખાવી હતી. આ મહિલા કેલિફોર્નિયા સ્થિત એનવીડિયાને ચીનમાં વધુ અદ્યતન ચિપ્સ ઉપલબ્ધ કરાવવા પ્રભાવિત કરવાના મિશન પર હતી. આ ખુલાસા બાદ વ્હાઇટ હાઉસ અને એફબીઆઈ (FBI) સુધી હલચલ મચી ગઈ હતી અને કંપનીના બોર્ડે તાત્કાલિક તપાસના આદેશ આપવા પડ્યા હતા. આ કૌભાંડ હજુ શાંત પણ નહોતું થયું ત્યાં હુઆંગના કંપનીના જ એક કર્મચારી સાથેના અન્ય અનૈતિક સંબંધોના અહેવાલો પણ બહાર આવ્યા, જેનાથી સ્થિતિ વધુ વણસી ગઈ અને અંતે તેમણે રાજીનામું આપવું પડ્યું.
આચનક આવેલા આ મોટા રાજનામાને કારણે એનવીડિયાના શેરમાં શરૂઆતના વેપારમાં ૧૪ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો, જોકે બાદમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. સ્ટીવ જૉબ્સની જેમ છેલ્લા ૩૩ વર્ષથી એનવીડિયાની ઓળખ સમાન બનેલા જેન્સેન હુઆંગના જવાથી કંપની પાસે ઉત્તરાધિકારીની કોઈ અગાઉથી યોજના તૈયાર નહોતી. આ કટોકટીભરી સ્થિતિને સંભાળવા માટે કંપનીએ પોતાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસને વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે હાર્વે સી. જોન્સને કંપનીના સૌપ્રથમ ચેરમેન તરીકે જાહેર કર્યા છે. નિષ્ણાતોના મતે, આ અનપેક્ષિત પરિવર્તનથી માત્ર એનવીડિયા જ નહીં પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી બજાર અને AI ક્ષેત્રની સ્થિરતા સામે પણ મોટા સવાલો ખડા થયા છે.
કંપનીમાંથી બહાર થયા બાદ પણ જેન્સેન હુઆંગની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી કારણ કે અમેરિકન સંસદસભ્યો અને કાયદા ઘડનારાઓ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે તેમની કડક પૂછપરછ કરવા માટે અડગ છે. ડેમોક્રેટિક સેનેટ નેતા ચક શુમર અને હાઉસ કમિટીના અધ્યક્ષ બ્રાયન મૅસ્ટે આ કેસમાં કડક તપાસની માંગણી કરી છે અને જો જરૂર પડે તો હુઆંગ સામે સમન્સ જારી કરવાની પણ ચીમકી આપી છે. બીજી બાજુ, જેન્સેન હુઆંગે વર્ષ ૧૯૯૩માં કેલિફોર્નિયાના એક સામાન્ય રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે બેસીને જે સ્વપ્ન જોયું હતું, તેણે આજે દુનિયાને AI યુગમાં આગળ ધપાવી છે. હવે જ્યારે આ પ્રખર ટેક્નોલોજી દિગ્ગજ કંપનીમાંથી બહાર થઈ ગયા છે, ત્યારે એનવીડિયા પોતાના સ્થાપક વિના ભવિષ્યની કેડી કેવી રીતે કંડારે છે અને આ વૈશ્વિક કટોકટીમાંથી કેવી રીતે બહાર આવે છે તે જોવું અત્યંત રસપ્રદ રહેશે.
