સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને સાકાર કરવા તરફ વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મિની રત્ન સંરક્ષણ જાહેર સાહસ (PSU) હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા સાયન્ટ ડીએલએમ સાથે એક વિશેષ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળના જહાજો માટે અત્યાધુનિક નેવિગેશન, કોમ્યુનિકેશન, રડાર અને સેન્સર સિસ્ટમ્સનું ભારતમાં જ ડિઝાઇન અને ઉત્પાદન કરવાનો છે. અત્યાર સુધી ભારતીય શિપયાર્ડ્સમાં યુદ્ધ જહાજોનું નિર્માણ મોટા પ્રમાણમાં થતું હતું, પરંતુ તેની અંદરના હાઇ-ટેક ઉપકરણો માટે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડતું હતું, જે હવે દૂર થશે.
આ નવા કરાર હેઠળ બંને કંપનીઓ મળીને સોલિડ-સ્ટેટ રડાર, ઇલેક્ટ્રોનિક ચાર્ટ ડિસ્પ્લે સિસ્ટમ્સ, ઓટોપાયલટ, ગ્લોબલ મેરિટાઇમ ડિસ્ટ્રેસ એન્ડ સેફ્ટી સિસ્ટમ અને વોયેજ ડેટા રેકોર્ડર્સ જેવા મહત્વપૂર્ણ ઉપકરણો વિકસાવશે. આ ઉપરાંત હવામાન અહેવાલો અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે સહાયક ઉપકરણો પણ ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. HSLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રિયર એડમિનિરેલ સી. રઘુરામે જણાવ્યું હતું કે આ પહેલથી જહાજોમાં ભારતીય બુદ્ધિમત્તા વાળા રડાર, ભારતીય ચોકસાઈ વાળા નેવિગેશન સાધનો અને સ્વદેશી રેડિયો સંચાર પ્રણાલી ઉપલબ્ધ થશે, જે સાચા અર્થમાં 'આત્મનિર્ભર ભારત'ની નેમ દર્શાવે છે.
આ સંયુક્ત સાહસથી માત્ર રાષ્ટ્રીય ગૌરવ જ નહીં વધે, પરંતુ વિદેશી વિક્રેતાઓ પરની નિર્ભરતા ઘટવાથી પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા ઝડપી બનશે અને જહાજના જીવનકાળ દરમિયાન થતો જાળવણી ખર્ચ પણ ઓછો થશે. આ સાથે જ, સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્રે ઘટકો પૂરા પાડતી દેશની સ્થાનિક માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSMEs) અને ડીપ-ટેક કંપનીઓને પણ વેપારની નવી તકો મળશે. શરૂઆતમાં આ સ્વદેશી ઉપકરણોને આગામી પેઢીની ૧૮ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ (NGFPVs) પર સ્થાપિત કરવામાં આવશે, જે ભારતના મેન્યુફેક્ચરિંગ બેઝને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે.
