ઘટનાની વિગતો મુજબ, ગત ૧૩ ઓક્ટોબરે અગરતલાની આ સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. નિશિમા બેન નામની એક મહિલાએ તેને બેંગલુરુમાં ફિલ્મ શૂટિંગ અને ઓડિશન માટે બોલાવી હતી. શરૂઆતમાં સગીરાએ એકલા જવાની ના પાડી હતી, પરંતુ મહિલાએ તેને વિશ્વાસમાં લઈ પ્રવાસ માટે રાજી કરી લીધી હતી. મુસાફરીનો ખર્ચ કાઢવા માટે સગીરાએ પોતાની સોનાની ચેઈન યુવરાજ ચૌધરી નામના શખ્સ પાસે ગીરવે મૂકી ૩૦,૦০০০ રૂપિયા મેળવ્યા હતા, જેણે તેની ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી આપી હતી. બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યા બાદ વાસ્તવિકતા સામે આવી હતી કે ત્યાં કોઈ ઓડિશન કે શૂટિંગ નહોતું, પરંતુ તેને એક અજાણી જગ્યાએ કેદ કરીને તેનો મોબાઈલ ફોન અને સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યા હતા તેમજ તેના પરિવાર પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
દીકરીના ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જ્યાંથી તેને બેંગલુરુની ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. પોલીસે આપેલી માહિતીના આધારે પરિવારે મુંબઈ અને પુણે સુધી દીકરીની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો નહોતો. આ મુશ્કેલ સમયમાં ત્રિપુરાના સામાજિક કાર્યકર્તા અને હિન્દુ મહાસંઘના સભ્યો વહારે આવ્યા હતા. સામાજિક સંસ્થાના માધ્યમથી સગીરાનું લોકેશન બેંગલુરુથી આશરે ૯૦ કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. પિતા અને સ્થાનિક સ્વયંસેવકોએ સંકલિત પ્રયાસો કરીને આખરે તે જગ્યા શોધી કાઢી જ્યાં સગીરા અન્ય કેટલાક બાળકો સાથે ફસાયેલી હતી. જ્યારે પિતાએ દીકરીને મુક્ત કરાવી ગાડીમાં બેસાડી ત્યારે કેટલાક શખ્સોએ બાળકોને પરત ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિન્દુ સંગઠનના સભ્યોએ મક્કમતાપૂર્વક સામનો કરીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને પિતા-પુત્રીનું પુનઃ મિલન કરાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે સામાજિક કાર્યકર્તા ખોકન ચંદ્ર પોલે જણાવ્યું હતું કે ત્રિપુરામાં સગીર બાળકોને ટાર્ગેટ કરતું માનવ તસ્કરીનું મોટું રૅકેટ સક્રિય છે, જે અંગ તસ્કરી અને અન્ય ગંભીર અપરાધો સાથે જોડાયેલું હોઈ શકે છે. આ માનેલાં ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સતત નજર રાખવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્રના સમયસરના સહયોગથી સગીરાનો બચાવ થયો છે ત્યારે આ ઘટનાએ વાલીઓ માટે મોટી ચેતવણી પૂરી પાડી છે. તસ્કરીના આ ખતરનાક નેટવર્કથી સાવચેત રહેવા અને ખાસ કરીને દીકરીઓને પૂરતી જાણકારી વગર એકલા પ્રવાસ ન કરવા દેવા માટે વ્યાપક અપીલ કરવામાં આવી છે.
