ઉત્તરાખંડના ઋષિકેશ પાસે આવેલા ચકચારી વનંત્રા રિસોર્ટના રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય દિલીપ રાવતે અંકિતાના માતા-પિતાને વિવાદાસ્પદ સલાહ આપતા કહ્યું હતું કે, જો તેઓ પોતાની દીકરી માટે માત્ર ન્યાય જ ઈચ્છતા હોય તો તેમણે સરકાર તરફથી મળેલું વળતર ઠુકરાવી દેવું જોઈએ. ધારાસભ્યે તર્ક આપ્યો હતો કે જ્યારે પરિવાર સરકારની કાર્યવાહીથી અસંતુષ્ટ છે અને ન્યાય નથી મળ્યો તેવી ફરિયાદ કરે છે, ત્યારે તેમણે સરકારી સહાય સ્વીકારવી નહોતી જોઈએ. તેમના આ નિવેદને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે અને પીડિત પરિવારની વેદના પર રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
આ નિવેદન સામે આવતા જ રાજકીય ગલિયારામાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે, અને ઉત્તરાખંડ કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ ભાજપ પર આકરો પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું અંકિતાના પરિવારને આ શરતે વળતર અપાયું હતું કે તેઓ આ કેસમાં સંડોવાયેલા 'VIP' ને બેનકાબ કરવાની માંગ નહીં ઉઠાવે? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વળતર જનતાના પરસેવાની કમાણીના સરકારી ખજાનામાંથી અપાયું છે, કોઈ ભાજપની ખાનગી તિજોરીમાંથી નહીં. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષ અસલી ગુનેગાર વીઆઈપીને બચાવવા માટે આવા બેજવાબદાર બહાના અને નિવેદનોનો આશરો લઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બર 2022 ના રોજ બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, જેમાં રિસોર્ટના માલિક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર તથા અંકિત ગુપ્તાની સંડોપ્તિ સાબિત થતાં અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારી ચૂકી છે. કાનૂની પ્રક્રિયા અને સજા બાદ પણ આ કેસમાં રાજકીય છાંટા ઉડવાનું ચાલુ રહ્યું છે. એક તરફ ભાજપના ધારાસભ્ય સરકારી સહાય અને ન્યાયની માંગ વચ્ચે વિરોધાભાસ દર્શાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ તેને મહિલા વિરોધી માનસિકતા ગણાવીને સરકારને ઘેરી રહી છે, જેના કારણે આ ગંભીર મામલો ફરી એકવાર રાજકીય દૂષણોની ભેટ ચડ્યો હોય તેવું પ્રતીત થાય છે.
