ચેન્નાઈમાં ચકચારી બનેલા અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાના ખાનગી શાળા માન્યતા કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) પોલીસે બે મુખ્ય શંકાસ્પદો સાથે સંકળાયેલા કુલ ૪૫ બેંક ખાતાઓને ફ્રીઝ કરી દીધા છે. આ કાર્યવાહીમાં પૂર્વ ધારાસભ્ય મુથુકુમાર અને ખાનગી શાળા એસોસિએશનના પ્રમુખ બી.ટી. અરસકુમારના ખાતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મુથુકુમારના નામે ૨૫ બેંક ખાતા મળી આવ્યા હતા જેમાં સંયુક્ત રીતે ૪.૩ કરોડ રૂપિયાની રકમ જમા હતી, જ્યારે અરસકુમારના નામે ૨૦ ખાતામાંથી ૪ લાખ રૂપિયા મળી આવ્યા હતા. આ પ્રકરણમાં અરસકુમારની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જામીન પર મુક્ત છે, જ્યારે મુખ્ય આરોપી મુથુકુમારે ગત અઠવાડિયે જ કોર્ટમાંત્મસમર્પણ કરતા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ભૂતપૂર્વ ડીએમકે શાસનકાળ દરમિયાન રાજ્યની ૧૦૦૦થી વધુ ખાનગી શાળાઓ પાસેથી કાયમી અથવા ૨૦ વર્ષની માન્યતા અને કાયદેસરની મંજૂરી અપાવવાના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. કૌભાંડના સૂત્રધારો એટલા બેફામ હતા કે જે શાળાઓ નાણાં ચૂકવવાનો ઇનકાર કરતી તેમને વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા અટકાવી દેવાની અને કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકીઓ આપતા હતા. શરૂઆતમાં આ ફ્રોડનો અંદાજ માત્ર ૧૦૦ કરોડ રૂપિયા આસપાસ લગાવવામાં આવ્યો હતો, પરંતુ જેમ-જેમ તપાસ આગળ વધી તેમ તેમ આ કૌભાંડનું કદ વધીને અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનું રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટરે અદાલત સમક્ષ સ્પષ્ટ કર્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને એવા પણ ચોંકાવનારા પુરાવા મળ્યા છે કે વાલી-શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ રહેલા મુથુકુમારે સરકારી શાળાઓને વાલી-શિક્ષક બેઠકો યોજવા માટે એક પરિપત્ર મોકલીને ગેરકાયદેસર રીતે ૩ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. હાલ પોલીસ આ શંકાસ્પદ વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરી રહી છે કે જેથી આ નાણાંનો સીધો સંબંધ આ મોટા કૌભાંડ સાથે છે કે કેમ તે સાબિત કરી શકાય. અદાલતના આદેશો અને તપાસ એજન્સીની આક્રમક કાર્યવાહીના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આચરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
