કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં આગામી ૪ ડિસેમ્બરે યોજાનારી હિલ કાઉન્સિલની ચૂંટણી સામે વિરોધનો સુર જોર પકડી રહ્યો છે. કડકડતી શિયાળાની ઋતુમાં ચૂંટણી યોજવાના પ્રશાસનના નિર્ણય સામે સ્થાનીકો અને 'લેહ અપેક્ષ બોડી' (LAB) દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકને બુધવારે મોડી રાત્રે લેહ સ્થિત એનડીએસ મેમોરિયલ પાર્ક ખાતેથી સુરક્ષાકર્મીઓ દ્વારા હટાવવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમને સત્તાવાર રીતે નજરકેદ કરવામાં આવ્યા હતા. લેહના એસએસપી દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોમાં દાવો કરવામાં આવ્યો છે કે વાંગચુકની પ્રવૃત્તિઓ અને જનતાને ઉશ્કેરવાના પ્રયાસોથી કાયદો અને વ્યવસ્થા જોખમાઈ શકે છે, જેના કારણે તેમના ઘરની આસપાસ સશસ્ત્ર જવાનોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
ચૂંટણીના વિરોધમાં પ્રશાસન દ્વારા સખ્તી દાખવવામાં આવી હોવા છતાં લદાખના લેહ અને કારગીલ વિસ્તારમાં હજારો લોકોએ શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો. એલએબીના સહ-અધ્યક્ષ ચેરીંગ દોરજય લાકરૂકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણીના વિરોધમાં નથી, પરંતુ શિયાળાની અત્યંત કપરી પરિસ્થિતિમાં મતદાન યોજવાથી આ પ્રદેશની આશરે ૩૦ ટકા વસ્તી પોતાના મતાધિકારથી વંચિત રહી જશે. આ ઉપરાંત, મતદાર યાદીમાં ગરબડ કરવાનો અને 'ઓપરેશન લોટસ' હેઠળ યુવા મતદારોના નામ કમી કરવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાંગચુક અને તેમની ટીમે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ ચૂંટણીને મોકૂફ રાખવા માટે એસઓએસ (SOS) અપીલ કરી છે.
બીજી બાજુ, પ્રશાસન અને સરકાર પોતાના નિર્ણય પર અડગ જોવા મળી રહી છે. મુખ્ય સચિવ આશિષ કુંડરાએ આ ચૂંટણીઓને લદાખના લોકશાહી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી છે. તેમણે તર્ક આપ્યો છે કે જો શિયાળામાં ૧૫ ડિસેમ્બર સુધી શાળાઓ ખુલ્લી રહી શકતી હોય અને બાળકો અભ્યાસ માટે જઈ શકતા હોય, તો પુખ્ત વયના નાગરિકો મતદાન માટે કેમ બહાર ન આવી શકે? પ્રશાસન દ્વારા લેવાયેલા આ નિર્ણયો વચ્ચે હિલ કાઉન્સિલ અને પંચાયતની ચૂંટણીઓનું મતદાન યોજાયા બાદ આગામી ૮ ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે, જે લદાખના રાજકારણમાં આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે.
