બિહારની રાજનીતિમાં સામાન્ય રીતે કટ્ટર વિરોધી ગણાતા દિગ્ગજ નેતાઓ તાજેતરમાં પટના ખાતે એક જ મંચ પર ઉષ્માભર્યા વાતાવરણમાં નજરે પડતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ સ્વ. આર.કે. સિન્હાના નિવાસસ્થાને યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં આ અણધારી મુલાકાત જોવા મળી હતી. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને 'જન સુરાજ'ના સૂત્રધાર પ્રશાંત કિશોર આમને-સામને આવ્યા હતા અને બંનેએ હસતા મોઢે હાથ મિલાવીને વાતચીત કરી હતી. આ હળવાશની ક્ષણો દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહી છે, જેણે રાજકીય વિશ્લેષકોનું પણ ધ્યાન ખેંચ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટું આકર્ષણ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યની ઉપસ્થિતિ રહી હતી. તેઓ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને પ્રશાંત કિશોરની બરાબર બાજુમાં બેઠેલા નજરે પડ્યા હતા. અગાઉ ચૂંટણી અને રાજકીય મંચો પર આ તમામ નેતાઓ એકબીજા સામે આકરા પ્રહારો કરતા રહ્યા છે, ત્યારે આ ત્રણેય વિરોધીઓની એકસાથે ઉપસ્થિતિએ બિહારના આગામી રાજકીય સમીકરણો વિશે અનેક પ્રકારની ચર્ચાઓને વેગ આપ્યો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરી અને ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હોવા છતાં આ ત્રણેયની બેઠક મુખ્ય કેન્દ્રબિંદુ બની રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી પ્રશાંત કિશોર સતત સરકારની નીતિઓની ટીકા કરતા આવ્યા છે, જ્યારે વિપક્ષી પક્ષો જન સુરાજને 'ભાજપની B-ટીમ' તરીકે સંબોધતા રહ્યા છે. તાજેતરમાં જ સત્તાધારી પક્ષના મંત્રીઓ તરફથી પણ પ્રશાંત કિશોર પર રાજકીય નિશાનો સાધવામાં આવ્યા હતા. આવા તંગ રાજકીય માહોલ વચ્ચે નેતાઓની આ પ્રકારની સૌહાર્દપૂર્ણ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બીજી તરફ, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પોતાની પુત્રીઓ મીસા ભારતી અને રોહિણી આચાર્ય સાથે ઉપસ્થિત રહીને દિવગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.
