અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે હાલાકી સર્જાતી એક ઘટના સામે આવી છે, જ્યાં અમદાવાદથી નાસિક જવાની તૈયારીમાં રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ છેલ્લી ઘડીએ અચાનક રદ કરવામાં આવી હતી. આ ઘટનાથી પ્રવાસનું આયોજન કરીને આવેલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખાસ કરીને જ્યારે મુસાફરોની બોર્ડિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી હતી અને તેમનું લગેજ પણ વિમાનમાં જમા કરાવી દેવાયું હતું, ત્યારે જ આ અણધાર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફ્લાઇટ રદ થયા બાદ એરલાઇન્સ દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી નાસિક જવાનો રૂટ ઓફર કરવામાં આવ્યો હતો. જો કે, સીધી ફ્લાઇટ દ્વારા સમયસર અને આરામદાયક મુસાફરી કરવાનું આયોજન કરીને આવેલા મુસાફરોમાં આ લાંબી અને જટિલ વૈકલ્પિક વ્યવસ્થાને લઈને ભારે નારાજગી ફેલાઈ હતી. પ્રવાસીઓનુંવું માનવું હતું કે છેલ્લી ઘડીના આ ફેરફારથી તેમનો કિંમતી સમય બગડ્યો છે અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે.
આ અચાનક બનેલી ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ એરલાઇન્સ દ્વારા ન આપવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. સંતોષકારક સ્પષ્ટતાના અભાવે રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર જ ઇન્ડિગો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ગંભીર બેદરકારીને કારણે ટિકિટના રિફંડ, વળતર અને એરલાઇન્સની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે, જેના કારણે એરપોર્ટ પર થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
