નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ દેશના નાના વેપારીઓ અને દુકાનદારોમાં ડિજિટલ પેમેન્ટને વ્યાપક બનાવવા માટે 'UPI વ્યાપાર સક્ષમ યોજના' (UPI Vyapaar Saksham Scheme) ની જાહેરાત કરી છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અનુસાર, આ યોજના હેઠળ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માંથી થતી કમાણીનો ૫ ટકા હિસ્સો એક સમર્પિત ફંડમાં જમા કરવામાં આવશે. આ ફંડનો મુખ્ય હેતુ નાના દુકાનદારોને યુપીઆઈ સાથે જોડવાનો અને તેમના દૈનિક વ્યવહારોને વેગ આપવાનો છે. આ યોજના દેશમાં યુપીઆઈ એમડીઆર લાગુ થયાની તારીખથી આગામી ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે અને દર છ મહિને તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
આ યોજનાનો લાભ મુખ્યત્વે ટિયર-૩ થી ટિયર-૬ શહેરો, ઉત્તર-પૂર્વીય રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના એવા નાના વેપારીઓને મળશે જેમનું પાછલા નાણાકીય વર્ષમાં વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખ રૂપિયા સુધીનું હોય. આ ઉપરાંત, ટિયર-૧ અને ટિયર-૨ શહેરોના એવા નાના વેપારીઓ પણ આવરી લેવાયા છે જેઓ કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી યોજનાઓ સાથે જોડાયેલા છે. પારદર્શિતા જાળવવા માટે એક્વાયરિંગ બેંકોએ દરેક વેપારી માટે યુનિક મર્ચન્ટ આઈડેન્ટિફાયર જનરેટ કરવો અને જીઓ-લોકેશન આપવું અનિવાર્ય છે, જ્યારે ૨,૦૦૦ રૂપિયા સુધીના વ્યવહારો જ આ યોજના માટે માન્ય ગણાશે.
સમગ્ર ફંડને જુદા જુદા ઘટકોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં નવા વેપારીઓને જોડવા માટે ક્યુઆર કોડ દીઠ ૩૦૦ રૂપિયા અને સાઉન્ડબોક્સ દીઠ ૭૫૦ રૂપિયાનું પ્રોત્સાહન બેંકોને મળશે. આ સાથે જ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો કરનાર બેંકો અને વેપારીઓને વિશેષ ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. NPCI એ દર વર્ષે લાખો નવા ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સ લગાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજનાથી નાના વેપારીઓનો ડિજિટલ વ્યવહાર વધશે અને દેશના અર્થતંત્રમાં પાયાના સ્તરે ડિજિટલ ક્રાંતિ વધુ મજબૂત બનશે.
