૨૦૨૬ અંડર-૧૯ વન-ડે એશિયા કપમાં રોમાંચક મોડ આવી ગયો છે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ માટે જંગ જામશે. ગુરુવારે રમાયેલી રોમાંચક ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને ૮ વિકેટથી કારમી હાર આપી હતી અને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. આ અગાઉ રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૯ વિકેટે પરાજય આપીને પહેલેથી જ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. ખાસ વાત એ છે કે ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતને પાકિસ્તાન સામે ૩ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે હવે શનિવારે (૧૪ નવેમ્બર) ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ મહામુકાબલાની ફાઇનલ મેચમાં ભારત જૂનો હિસાબ સરભર કરવાના પૂરા ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય અનુસાર સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થનારી આ મેચ પહેલાં ટોસ અડધો કલાક વહેલો કરવામાં આવશે.
અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલ મેચમાં અફઘાન ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૨૭ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય અંડર-૧૯ ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યવીરે વિસ્ફોટક શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે ૧૧૭ રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સદી ફટકારવાથી માત્ર ૭ રન દૂર રહી ગયા હતા અને તેમણે ૯૦ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી શાનદાર ૯૩ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઓપનર આર્યવીરે માત્ર ૫૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને ૫૧ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેઓ ૧૭મી ઓવરમાં અલી નિયાઝીનો શિકાર બન્યા હતા.
આ શરૂઆતી સફળતા બાદ લક્ષ્યે બીજી વિકેટ માટે વી.કે. વિનીત સાથે મળીને ૭૭ રનની ભાગીદારી કરી ટીમને જીતની વધુ નજીક પહોંચાડી હતી. વી.કે. વિનીતે શાનદાર બેટિંગ જારી રાખતા ૬૨ બોલમાં અણનમ ૫૭ રન બનાવ્યા હતા, જેમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતો. ૩૨મી ઓવરમાં સોહેલ ખાને લક્ષ્યને આઉટ કર્યો હતો પરંતુ ત્યારબાદ વિનીત અને યશવર્ધન ચૌહાણ (૧૪ બોલમાં અણનમ ૧૬ રન) વચ્ચે ૩૬ રનની અતૂટ ભાગીદારી નોંધાઈ હતી. આ મજબૂત સહકારના આધારે ભારતે ૩૬.૫ ઓવરમાં જ માત્ર ૨ વિકેટ ગુમાવીને ૨૩૦ રન બનાવીને લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો અને હવે સમગ્ર દેશની નજર આગામી હાઇ-વોલ્ટેજ ફાઈનલ મેચ પર ટકેલી છે.
