ગુરુવારે બપોરે અચાનક જ માઈક્રોસોફ્ટની મુખ્ય સેવાઓમાં વ્યાપક પાયે વિક્ષેપ સર્જાતા વૈશ્વિક સ્તરે હજારો યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉનટેક્ટરના અહેવાલ મુજબ, આઉટલુક ઈમેલ પ્લેટફોર્મ ડાઉન હોવાની ૧.૩૦ લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે માઈક્રોસોફ્ટ ૩૬૫માં પણ ૪૬,০০০ થી વધુ સમસ્યાઓ સામે આવી હતી. આ આઉટસ્ટેન્ડિંગ આઉટેજ માત્ર આઉટલુક સુધી સીમિત ન રહેતા ટિમ્સ, કોપાઈલોટ, શેરપૉઇન્ટ, ડિફેન્ડર, ટુ-ડૂ અને પર્વ્યુ જેવી મહત્વપૂર્ણ સર્વિસિસને પણ અસર કરી હતી. કંપનીએ પુષ્ટિ કરી હતી કે આ કોઈ એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક સ્તરે યુઝર્સને પ્રભાવિત કરી રહી છે.
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને માઈક્રોસોફ્ટની ટેકનિકલ ટીમે સેવાઓને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટે તાબડતોબ પગલાં લીધા હતા. કંપનીએ તમામ નવા સોફ્ટવેર ડિપ્લોયમેન્ટ અસ્થાયી રૂપે અટકાવી દીધા હતા અને ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લોડ બેલેન્સ કરવા માટે ટ્રાફિકને પ્રભાવિત સર્વર્સથી દૂર વાળવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્ત તમામ સર્વર્સને રીસ્ટાર્ટ કરીને તેમની કામગીરી અને હેલ્થ ચેકનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ત્વરિત પગલાંઓના પરિણામે થોડા જ સમયમાં આઉટલુક અને માઈક્રોસોફ્ટ ૩૬૫ સંબંધિત ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને કોપાઈલોટ જેવી સેવાઓ મોટાભાગના યુઝર્સ માટે પૂર્વવત થઈ ગઈ હતી.
હજી સુધી માઈક્રોસોફ્ટ દ્વારા તમામ સેવાઓ સંપૂર્ણપણે ક્યારે કાર્યરત થશે તેની ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિકવરી પ્રક્રિયા પૂરઝડપે ચાલી રહી છે. સર્વિસ હેલ્થ પેજ પર હજુ પણ કેટલીક જગ્યાએ અસર હોવાનું જણાય છે, પરંતુ કંપનીના સતત પ્રયાસોથી ડાઉનટાઈમનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ટેકનોલોજી પર નિર્ભર બિઝનેસ અને યુઝર્સ માટે આ આઉટેજ ચિંતાનો વિષય બન્યો હતો, ત્યારે માઈક્રોસોફ્ટના ઈજનેરો તમામ પ્રભાવિત સર્વર્સને વેલિડેટ કરીને સિસ્ટમને સંપૂર્ણપણે સુરક્ષિત અને કાર્યરત બનાવવા માટે આખો દિવસ સક્રિય રહ્યા હતા.
