નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આ વર્ષે દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન દેશભરના પ્રવાસીઓ માટે નંબર વન હોટ સ્પોટ સાબિત થઈ છે. તહેવારોના આ દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે, જ્યાં માત્ર ત્રણ જ દિવસમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ આ ભવ્ય સ્મારકની મુલાકાત લીધી છે. આ પ્રતિમાનો એક આકર્ષક ડ્રોન નજારો પણ સામે આવ્યો છે, જે તેની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
આ વર્ષે દેશભરમાં 'એક્તા પર્વ'ની ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ 'પ્રકાશ પર્વ' અને 'ભારત પર્વ' પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે અહીં પહોંચ્યા છે. આ ઉપરાંત, અહીં નિર્મિત 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' પ્રવાસીઓ માટે એકદમ નવું અને અત્યંત લોકપ્રિય ડેસ્ટિનેશન બની ગયું છે, જેની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.
પર્યટકોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલ 'સ્કાય ટાવર' પણ પહેલી પસંદ બની રહ્યો છે, જ્યાંથી આસપાસના કુદરતી મનોહર દૃશ્યો અને નર્મદા નૈસર્ગિક સૌંદર્યનો અદ્ભુત આનંદ માણી શકાય છે. સમયની સાથે અહીં વિકસાવવામાં આવેલા વિવિધ આકર્ષણો અને આધુનિક સુવિધાઓને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેણે ગુજરાતના પર્યટન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું છે.
