વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી કંપની એનવીડિયાના મુખ્ય અધીકારી જેનસેન હુઆંગ અને ચાઇનીઝ મહિલા બિઝનેસમેન એલિસ હુઆંગ વચ્ચેના કથિત સંબંધોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચાવી દીધી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલો મુજબ, એલિસ હુઆંગ (જેઓ હુઆંગ લે તરીકે પણ ઓળખાય છે) એક સમયે ચીનની ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા અને બાદમાં સિંગાપોરની એક ડેટા સેન્ટર કંપનીમાં લીડરશિપ ભૂમિકા સાથે ટેકનોલોજી સેક્ટરમાં પ્રવેશ્યા હતા. ગુપ્તચર અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એલિસ હુઆંગ ચીનના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી માટે જાસૂસ તરીકે કામ કરતી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એનવીડિયાને તેના સૌથી અદ્યતન ચિપ્સ ચીનમાં સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે પ્રભાવિત કરવાનો હતો. આ ગતિવિધિઓને કારણે અમેરિકા અને અન્ય દેશોના ટોચના નીતિનિર્માતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
એલિસ હુઆંગની કારકિર્દીની વાત કરીએ તો, તેણે અગાઉ HSBC ની હોંગકોંગ પ્રાઇવેટ બેંકિંગ આર્મ અને CITIC સિક્યોરિટીઝ જેવી નામાંકિત સંસ્થાઓમાં સેવાઓ આપી હતી. વર્ષ ૨૦૨૩માં તે સિંગાપોર સ્થિત મેગાસ્પીડ (Megaspeed) કંપની સાથે જોડાઈ હતી, જેને એનવીડિયાની ક્લાઉડ પાર્ટનર ગણવામાં આવે છે. જો કે, આ કંપની પર અગાઉ અમેરિકાના નિકાસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ચીની યુઝર્સ સુધી અદ્યતન એનવીડિયા ચિપ્સ પહોંચાડવાના ગંભીર આરોપો લાગ્યા હતા. સિંગાપોર સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે તે અન્ય દેશોના નિકાસ નિયંત્રણોના ભંગને બિલકુલ સહન કરશે નહીં અને આ મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, બેઇજિંગના વિદેશ મંત્રાલયે એલિસ હુઆંગ પર લાગેલા જાસૂસીના તમામ આરોપોને પાયાવિહોણા અને ચીનની છબી ખરાબ કરવાના પ્રયાસો ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
આ સમગ્ર વિવાદથી એનવીડિયા અને તેના વડા જેનસેન હુઆંગની સ્થિતિ તેમજ વૈશ્વિક ટેક માર્કેટની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર જેનસેન હુઆંગ અને એલિસ હુઆંગની સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે, જેનાથી બંને વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જો કે આ સંબંધો કેટલા સમય સુધી ચાલ્યા અને ક્યારે પૂરા થયા તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી, પરંતુ આ ઘટનાએ ટેકનોલોજી જગતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને કોર્પોરેટ ગવર્નન્સ પર ગંભીર પ્રશ્નાર્થો ખડા કરી દીધા છે.
