JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

IPLમાં ટીમોની સંખ્યા વધીને ૧૨ થવાના અહેવાલોને BCCIએ ફગાવ્યા, વિસ્તરણ અંગે કોઈ યોજના નથી

Nov 11, 2026 | 20:20 | By JAMNAGAR MIRROR
IPLમાં ટીમોની સંખ્યા વધીને ૧૨ થવાના અહેવાલોને BCCIએ ફગાવ્યા, વિસ્તરણ અંગે કોઈ યોજના નથી
વિશ્વની સૌથી લોકપ્રિય ટી-૨૦ લીગ આઈપીએલ (IPL) માં આગામી સમયમાં ટીમોની સંખ્યા વધારીને બાર કરવાના મીડિયા અહેવાલોને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) દ્વારા સત્તાવાર રીતે નકારી કાઢવામાં આવ્યા છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવો કોઈ પ્રસ્તાવ કે વિચારણા ચાલી રહી નથી.

તાજેતરમાં એક અગ્રણી બિઝનેસ અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈ ૨૦૨૮ થી ૨૦૩૨ સુધીના નવા મીડિયા રાઇટ્સ ચક્ર દરમિયાન આઈપીએલની બે નવી ફ્રેન્ચાઇઝી ઉમેરીને ટીમોની કુલ સંખ્યા ૧૨ કરવાનું આયોજન કરી રહી છે. આ અહેવાલમાં વડોદરા અને પુણેને સંભવિત નવા આધાર તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા, જેના કારણે ક્રિકેટ જગતમાં અને પ્રશંસકો વચ્ચે ભારે ચર્ચા જાગી હતી અને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી.

આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા પીટીઆઈના અહેવાલ મુજબ, બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડ સમક્ષ ટીમોની સંખ્યા વધારવા અંગે કોઈપણ પ્રકારની ઔપચારિક કે અનૌપચારિક ચર્ચા થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે પ્રસારિત થયેલા અહેવાલોમાં કોઈ સત્ય નથી અને હાલમાં બોર્ડનું સંપૂર્ણ ધ્યાન આગામી આઈપીએલ સિઝનના સફળ અને ભવ્ય આયોજન પર જ કેન્દ્રિત છે.

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈએ વર્ષ ૨૦૨૨માં અમદાવાદ અને લખનૌ એમ બે નવી ટીમોનો ઉમેરો કરીને ફ્રેન્ચાઇઝીની સંખ્યા આઠથી વધારીને દસ કરી હતી. આ સાથે જ સચિવે હરાજીના પર્સમાં ૧૫૦ કરોડ રૂપિયા સુધીનો વધારો થવાની અફવાઓને પણ ફગાવી દીધી છે, કારણ કે વર્તમાન સ્થિતિમાં કોઈ મેગા હરાજીનું આયોજન નથી.

LATEST ARTICLES