તમિલનાડુમાં સાર્વજનિક પુસ્તકોની ખરીદીમાં સામે આવેલી વ્યાપક અનિયમિતતાઓને લઈને મદ્રાસ હાઈકોર્ટની મધુરાઈ બેન્ચે ડાયરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ને તાત્કાલિક પોલીસ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે વિવાદના ઘેરાવામાં આવેલ 'અગલ વિલક્કુ પબ્લિકેશન્સ' અને તેના પ્રોપરાઈટર મોહન સહિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ કડક નિર્દેશો અગાઉના કોર્ટ ઓર્ડરનું પાલન ન કરવા અંગે દાખલ કરવામાં આવેલી અવમાનના અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ એમ.ડી. સુમતીની બેન્ચ દ્વારા આપવામાં આવ્યા છે.
કોર્ટે સરકારને આ મામલે સખત પગલાં લેવા આદેશ આપ્યો છે, જેમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવા જેવી શિસ્તભંગની કાર્યવાહીનો સમાવેશ થાય છે. પબ્લિક લાઈબ્રેરીઓના ડાયરેક્ટરને છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી શંકાસ્પદ અને ગેરરીતિભરી ખરીદી માટે જવાબદાર અધિકારીઓની ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ એફિડેવિટ દાખલ કરવા આદેશ કરાયો છે. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જાણીતા લેખક પેરુમાલ મુરુગને પુસ્તકોની નબળી ગુણવત્તા, શંકાસ્પદ લેખન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરાયેલ કન્ટેન્ટ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે રાજકીય અને સામાજિક વિવાદ સર્જાયો હતો.
અગાઉ જૂન 2024માં કોર્ટે પારદર્શક પુસ્તક ખરીદી નીતિનું પાલન કરવા અને એક સમર્પિત વેબસાઇટ બનાવીને પુસ્તકોની વિગતો જાહેર કરવાના આદેશો આપ્યા હતા, પરંતુ સત્તાવાળાઓ દ્વારા નિયમોના ભંગ બદલ હાઈકોર્ટે લાલ આંખ કરી છે. નિયમો અનુસાર કોઈપણ પુસ્તક પાંચ વર્ષમાં ફરી ખરીદી શકાતું નથી અને પુસ્તક કે લેખકના નામ બદલીને કરવામાં આવતી છેતરપિંડી પર પણ પ્રતિબંધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શંકાસ્પદ કન્ટેન્ટ, ખોટી વાર્તાઓ, તેમજ AI-જનરેટેડ કે સાહિત્યચોરી (પ્લેજિયરિઝમ) કરાયેલું સાહિત્ય નબળી રુચિ ધરાવતું ગણવામાં આવશે. આ મહત્વપૂર્ણ કેસની આગામી સુનાવણી હવે 11 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
