ભારતીય મૌસૂમ વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ અને અસમની ગૌહાટી યુનિવર્સિટીના સંશોધકોએ ચોમાસાના સાચા આગમનને પારખવાની એક અભિનવ પદ્ધતિ વિકસાવી છે. 'ક્લાઇમેટ નેટવર્ક' પર આધારિત આ પદ્ધતિ દ્વારા હવે ટૂંકા સમયના સ્થાનિક વરસાદ અને વ્યાપક પાયા પર સક્રિય થતા અસલી ચોમાસા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકાશે. અમેરિકન મૌસૂમ સોસાયટીના પ્રતિષ્ઠિત જર્નલ 'જર્નલ ઓફ ક્લાઇમેટ'માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં ગ ગ્રાફિકલ ડેટા અને કલ્સ્ટર્સના અભ્યાસ દ્વારા ચોમાસાની ગતિવિધિઓ પર ઊંડો પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ સંશોધનમાં છેલ્લા ૮૪ વર્ષના વરસાદના ઐતિહાસિક ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેનાથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ મળી છે કે કેવી રીતે નાના વરસાદના ક્લસ્ટર્સ મોટા પાયે એકત્રિત થઈને સમગ્ર દેશમાં ફેલાય છે. IIT મદ્રાસના પ્રોફેસર આર. આઈ. સુજિથના જણાવ્યા અનુસાર, કોઈ ચોક્કસ વિસ્તારમાં પડતો પહેલો વરસાદ એ હંમેશાં ચોમાસાની શરૂઆત નથી હોતી, પરંતુ જ્યારે તે વરસાદ મોટા ગ્રહ-સ્તરના ક્લસ્ટર સાથે જોડાય છે ત્યારે તેને અસલી ચોમાસાનું આગમન ગણવામાં આવે છે. આખી પ્રક્રિયા એક તબક્કાવાર પરિવર્તન (ફેઝ ટ્રાન્ઝિશન) તરીકે કામ કરે છે, જ્યાં એપ્રિલ મહિનામાં ઉત્તર-પૂર્વ ભારતમાં નાના ક્લસ્ટર્સ રચવાથી શરૂઆત થઈને સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થાય છે.
આ નવી પદ્ધતિ માત્ર હવામાનશાસ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ દેશના ખેડૂતો અને નીતિ નિર્માતાઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. ચોમાસાની ખોટી શરૂઆતના ભ્રમથી બચી શકાવાથી ખેડૂતો સમયસર વાવણીનું આયોજન કરી શકશે અને સરકારો અન્ન સુરક્ષા તેમજ જળ સંસાધન પ્રબંધનનું સચોટ આયોજન કરી શકશે. ગૌહાટી યુનિવર્સિટીના બી. એન. ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી પદ્ધતિ વર્તમાન ઓપરેશનલ વ્યાખ્યાઓનું સ્થાન લેવાના બદલે તેમાં વધુ ચોકસાઈ ઉમેરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં હવામાનની આગાહીઓ વધુ વિશ્વસનીય બનશે.
