અમદાવાદ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રીનગર પાસે ગત ૯ નવેમ્બરની રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં આ ખૂની ખેલ ખેલાયો હતો. અગાઉ થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને પ્રભાત ઉર્ફે ચોટીયો સોલંકી નામના શખ્સે આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી સીધો જ મૃતક પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણીના ભાઈ પ્રેમ પાસે પહોંચ્યો હતો અને પ્રિન્સને પતાવી દેવાની ખુલ્લી ધમકી આપી હતી. આ વાતચીત દરમિયાન ઉશ્કેરાટ વધી જતા બંને પક્ષે બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
પરિસ્થિતિ વધુ વણસતી જોઈને ૨૩ વર્ષીય યુવક પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી તેના ભાઈને બચાવવા માટે તાત્કાલિક વચ્ચે પડ્યો હતો. પરંતુ રોષે ભરાયેલા આરોપી પ્રભાતે ઉશ્કેરાટમાં આવીને પોતાની પાસે રહેલી ઘાતક છરી કાઢી લીધી હતી અને પ્રિન્સની ડાબી છાતી તથા પેટના ભાગે ઉપરાઉપરી ગંભીર ઘા ઝીંકી દીધા હતા. આ અચાનક થયેલા હુમલાને કારણે વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં પ્રિન્સ જમીન પર ફસડાઈ પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો કાફલો અને એસીપી એન.કે. વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને પક્ષો નજીકની જ ચાલીઓમાં રહે છે અને અગાઉના કોઈક ઝઘડાની રાર રાખીને આ હત્યા કરવામાં આવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી પ્રભાત ઉર્ફે ચોટિયા સોલંકીને રાઉન્ડઅપ કરી લીધો છે, જેને મારામારીમાં ઈજાઓ થઈ હોવાથી હાલ એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. આ મામલે બંને પક્ષ તરફથી સામસામી ફરિયાદો નોંધવામાં આવી છે અને હોસ્પિટલમાંથી આરોપીની સારવાર પૂર્ણ થયા બાદ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ તથા અન્ય શખ્સોની સંડોવણી છે કે નહીં તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
