અમેરિકાની જાણીતી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ક્રેડિટ પરિસ્થિતિઓ નબળી પડી શકે છે. ઊંચા વ્યાજદર અને મોંઘી ઊર્જાને કારણે વિવિધ ક્ષેત્રોમાં આર્થિક દબાણ વધશે. જોકે, આ પડકારો વચ્ચે પણ મુખ્ય અર્થતંત્રમાં વૃદ્ધિનો ક્રમ જળવાઈ રહેશે. મોંઘું ધિરાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પરિવર્તનો, રાજકીય હસ્તક્ષેપ અને સુરક્ષા ચિંતાઓ વૈશ્વિક સ્તરે ક્રેડિટ જોખમોને પ્રભાવિત કરશે. સરકારો દ્વારા ટેરિફ, નિયમનો અને વ્યૂહાત્મક રોકાણોના માધ્યમથી કરવામાં આવતો હસ્તક્ષેપ વેપાર અને મૂડી ફાળવણી પર સીધી અસર કરશે.
રિપોર્ટ અનુસાર, દેવાના બોજ હેઠળ દબાયેલા લોન લેનારાઓ અને નિકટવર્તી સમયમાં પરિપક્વ થતી લોન ધરાવતા કર્જદારો માટે રિફાયનાન્સિંગનો ઊંચો ખર્ચ ભારે મુશ્કેલી ઊભી કરશે. જો કે, બેન્કો અને જીવન વીમા કંપનીઓ આ કટોકટીથી અળગી રહેશે કારણ કે ઊંચા વ્યાજદર તેમની કમાણીને ટેકો પૂરો પાડે છે. બીજી તરફ, ઊર્જા સુરક્ષા, ખનિજો, સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પાછળનો ખર્ચ વધવાથી કેટલાક ક્ષેત્રો માટે નવી તકો ઊભી થશે જ્યારે અન્ય ક્ષેત્રો માટે ખર્ચમાં ભારે વધારો નોંધાશે. ટેકનોલોજી અને AI ક્ષેત્રે થઈ રહેલા પ્રચંડ રોકાણો પર હવે રોકાણકારોની વિશેષ નજર રહેશે કે આ ખર્ચ સામે યોગ્ય વળતર મળે છે કે નહીં.
કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ અમેરિકા ઉપરાંત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પણ વધી રહ્યો છે, જે ત્યાંના આર્થિક વિકાસમાં સહાયક બનશે. આ પ્રદેશ વૈશ્વિક સેમીકન્ડક્ટર અને મહત્વપૂર્ણ ખનિજ સપ્લાય ચેઇનનું મુખ્ય કેન્દ્ર હોવાથી ટેકનોલોજી પરના પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો ક્રેડિટ મૂલ્યાંકન માટે અત્યંત મહત્વના પરિબળો બનશે. વ્યાપારી મોડેલોમાં આવતા બદલાવને કારણે કેટલીક કંપનીઓને મજબૂત માંગનો ફાયદો થશે, તો કેટલીક કંપનીઓએ આકરી સ્પર્ધા અને નબળા પ્રાઇસિંગ પાવરનો સામનો કરવો પડશે.
