રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ આપતા સોનિયા ગાંધીએ તેમના નવા પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' દ્વારા પોતાના સ્વાસ્થ્ય અંગેના મોટા ખુલાસા કર્યા છે. મંગળવારે રિલીઝ થયેલા આ સંસ્મરણોમાં તેમણે પ્રથમવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન તેમણે કેન્સર સામે જંગ લડી હતી. આ સાથે તેમણે એ સ્પષ્ટતા પણ કરી છે કે તેમની સર્જરી ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોઅન કેટરિંગ કેન્સર સેન્ટરમાં નહીં, પરંતુ યુરોપમાં થઈ હતી. મીડિયાની ચર્ચાઓ અને અટકળોથી બચવા માટે તેમણે ભારતમાં ઓપરેશન ન કરાવીને વિદેશ જવાનો નિર્ણય લીધો હતો.
પુસ્તકમાં આપવામાં આવેલી વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૦માં સ્તન કેન્સરની શંકા જણાતા ડોક્ટરોની સલાહ પર સોનિયા ગાંધીએ મિલન પાસે આવેલા 'યુરોપિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓન્કોલોજી'ના પ્રખ્યાત સર્જન ડૉ. વેરોનેસી પાસે ઓપરેશન કરાવ્યું હતું. સર્જરીના દિવસોને યાદ કરતા તેમણે પુસ્તકમાં લખ્યું છે કે રાહુલ અને પ્રિયંકા તેમની સાથે હતા અને ઓપરેશન થિયેટરમાં લઈ જતી વખતે તેમને હિંમત આપી હતી. ડૉક્ટરે સફળ ઓપરેશન કરીને બે ગાંઠો સફળતાપૂર્વક કાઢી નાખી હતી. આ ઘટનાના એક વર્ષ પછી, નિયમિત ફોલો-અપ પરીક્ષણો દરમિયાન સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ) માં પણ પ્રારંભિક તબક્કામાં ગાંઠ મળી આવી હતી, જેની રોટરડેમની ઇરેસ્મુસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સફળ સારવાર કરવામાં આવી હતી.
આ ગંભીર બીમારીઓ ઉપરાંત, સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૧૬માં વારાણસીમાં એક રોડ શો દરમિયાન ગરમી અને અફરાતફરીના કારણે ચક્કર આવવાથી પડી જવાની અને હાથનું હાડકું ભાંગી જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. દિલ્હી પરત ફરતી વખતે ફ્લાઇટમાં અર્ધબેભાન અવસ્થામાં તેમને દિવંગત પતિ રાજીવ ગાંધી સ્મિત સાથે યાદ આવ્યા હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી છે. આ આરોગ્ય પડકારો સિવાય તેમના જીવનમાં કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા આવી નથી, જોકે દિલ્હીની પ્રદૂષિત શિયાળુ હવા તેમને ચોક્કસપણે પરેશાન કરે છે.
