JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ઓઝેમ્પિક અને વેગોવી જેવી વજન ઘટાડવાની દવાઓથી કાયમી અંધાપાનું જોખમ, એફડીએની નવી ચેતવણી

Nov 11, 2026 | 02:30 | By JAMNAGAR MIRROR
ઓઝેમ્પિક અને વેગોવી જેવી વજન ઘટાડવાની દવાઓથી કાયમી અંધાપાનું જોખમ, એફડીએની નવી ચેતવણી
વજન ઘટાડવા અને ડાયાબિટીસ માટે પ્રખ્યાત GLP-1 કેટેગરીની દવાઓ હવે આંખની ગંભીર બીમારી અને કાયમી દ્રષ્ટિ ગુમાવવવાના જોખમ સાથે જોડાઈ છે, જેને લઈને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફરજિયાત ચેતવણી જાહેર કરી છે.

વજન ઘટાડવા અને ડાયાબિટીસના નિયંત્રણ માટે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય બનેલી ઓઝેમ્પિક (Ozempic) અને વેગોવી (Wegovy) જેવી GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ દવાઓ હવે એક ગંભીર આડઅસરને કારણે ચર્ચામાં આવી છે. યુએસ હેલ્થ રેગ્યુલેટર 'એફડીએ' (FDA) ની તાજેતરની જાહેરાત મુજબ, આ પ્રકારની દવાઓના ઉપયોગથી 'એનએઆઈએઓન' (NAION) નામની એક દુર્લભ સ્થિતિનું જોખમ વધી જાય છે, જેના કારણે દર્દી કાયમી ધોરણે પોતાની દ્રષ્ટિ ગુમાવી શકે છે. આ ગંભીર સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે આંખના ઓપ્ટિક નર્વ એટલે કે દ્રષ્ટિ ચેતા સુધી લોહીનો પ્રવાહ ઘટી જાય છે, જોકે આ રક્ત સંચારમાં ઘટાડો થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શક્યું નથી.

એફડીએ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, આ નવો નિયમ માત્ર ઓઝેમ્પિક અને વેગોવી જ નહીં, પરંતુ મોનજારો (Mounjaro), ઝેપબાઉન્ડ (Zepbound) અને સોલિક્વા (Soliqua) જેવી લોકપ્રિય દવાઓના પેકેજિંગ પર પણ લાગુ થશે. NAION ની આ બિમારી સામાન્ય રીતે એક આંખમાં અચાનક, પીડારહિત અને આંશિક કે કાયમી અંધાપાનું કારણ બને છે, અને દુઃખની વાત એ છે કે આ દ્રષ્ટિ નુકસાનને પાછું ફેરવી શકે તેવી કોઈ જાણીતી સારવાર ઉપલબ્ધ નથી. ડેટા વિશ્લેષણ દર્શાવે છે કે GLP-1 દવાઓનો ઉપયોગ કરનારાઓમાં આ બીમારીનું પ્રમાણ પ્લેસિબો અથવા અન્ય દવાઓ લેનારાઓની સરખામણીમાં થોડું વધારે જોવા મળ્યું છે, જોકે ઓઝેમ્પિક બનાવનાર કંપની નોવો નોર્ડિસ્કનું માનવું છે કે ઉપલબ્ધ સંશોધનો આ દવાઓ સીધી રીતે NAIONનું કારણ હોવાનું પૂરવાર કરતા નથી.

આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે તબીબી નિષ્ણાતો અને વપરાશકર્તાઓએ અમુક ખાસ લક્ષણો અને સ્વાસ્થ્ય સ્થિતિઓ પ્રત્યે સતર્ક રહેવું અનિવાર્ય છે. જે લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્લીપ એપનિયા, ઊંચું કોલેસ્ટ્રોલ જેવી તકલીફો છે અથવા જેઓની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે, તેઓમાં આ આંખની બિમારીનું જોખમ નોંધપાત્ર રીતે વધારે રહે છે. જો કોઈ વ્યક્તિને અચાનક એક આંખમાં ધૂંધળું દેખાય, દ્રષ્ટિ ક્ષેત્રમાં કાળો કે અસ્પષ્ટ ભાગ જણાય, અથવા ખાસ કરીને સવારે ઊઠતી વખતે નજર સમક્ષ અચાનક ફેરફાર અનુભવાય, તો તરત જ તબીબી સલાહ લેવી જરૂરી છે જેથી સમયસર યોગ્ય પગલાં ભરી શકાય.

LATEST ARTICLES