JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દિવાળી વેકેશનમાં સાસણગીર અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયા, આગામી 23 નવેમ્બર સુધી તમામ બુકિંગ હાઉસફુલ

Nov 11, 2026 | 00:15 | By JAMNAGAR MIRROR
દિવાળી વેકેશનમાં સાસણગીર અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઉભરાયા, આગામી 23 નવેમ્બર સુધી તમામ બુકિંગ હાઉસફુલ
દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓમાં એશિયાટીક સિંહના દર્શન માટે સાસણગીરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભારે ધસારાને કારણે દેવળિયા સફારી પાર્કમાં આગામી 23 નવેમ્બર સુધીના તમામ સ્લોટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

દિવાળીના આનંદોત્સવ અને લાંબા વેકેશનને માણવા માટે રાજ્યભરમાંથી જ નહીં પરંતુ દેશભરમાંથી પ્રવાસીઓ ગીરના જંગલો તરફ આકર્ષાયા છે. સાસણગીર અને વિશેષ કરીને દેવળિયા સફારી પાર્ક ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓનો અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વન વિભાગના આંકડા મુજબ માત્ર છેલ્લા એક જ અઠવાડિયામાં ૧૫ હજારથી વધુ પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લઈને સિંહ દર્શનનો લહાવો લીધો છે. પ્રવાસીઓમાં ગીરના જંગલની સફર ખેડવા અને વનરાજના મુક્ત વિહરતા સ્વરૂપને નજરે જોવાનું આકર્ષણ હંમેશાંથી વિશેષ રહ્યું છે, જે આ વેકેશનમાં ચરમસીમાએ પહોંચ્યું છે.

પ્રવાસીઓની આ અકલ્પનીય ભીડને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ અને સઘન આયોજન કરવામાં આવ્યું છે. ટિકિટ બુકિંગથી લઈને સફારી રાઉન્ડ અને અન્ય આનુષંગિક સુવિધાઓનું સંચાલન એટલી કુશળતાથી કરવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ક્યાંય પણ અગવડતા કે હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી. વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનો સહકારપૂર્ણ અને માૂંઝવણ ઉકેલતો વ્યવહાર પ્રવાસીઓ માટે અનૂભવને વધુ સુખદ બનાવી રહ્યો છે. પ્રવાસીઓએ પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે, જેનાથી સમગ્ર પ્રવાસન પ્રવૃત્તિ ખૂબ જ સુચારુરૂપે ચાલી રહી છે.

દેવળિયા સફારી પાર્ક ખાતે પ્રવાસીઓનો પ્રવાહ એટલો બધો વધી ગયો છે કે આગામી 23 નવેમ્બર સુધીના તમામ ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ સંપૂર્ણપણે ફૂલ થઈ ગયા છે. વેકેશનનો સમય પૂરો થવા આવ્યો હોવા છતાં પ્રવાસીઓનો ઉત્સાહ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, જેને જોતા આગામી દિવસોમાં પણ ગીરમાં પ્રવાસીઓની ભારે અવરજવર ચાલુ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષે દિવાળીના વેકેશને પ્રવાસન ઉદ્યોગને નવો વેગ આપ્યો છે અને સાસણગીર એકવાર ફરીથી ગુજરાતભરના પ્રવાસીઓ માટે સર્વોત્તમ આકર્ષણનું કેન્દ્ર સાબિત થયું છે.

LATEST ARTICLES