એઆઈ જગતની દિગ્ગજ કંપની એન્વિડિયાના સીઈઓ જેનસેન હુઆંગ અને તેમની કંપની સામે યુએસ સ્થિત રોઝન લો ફર્મ દ્વારા કેલિફોર્નિયાની કોર્ટમાં એક મોટો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની કાર્યવાહી એવા સમયે શરૂ થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ જેનસેન હુઆંગે સિંગાપોરની ડેટા સેન્ટર કંપની મેગાસપીડ સાથે સંકળાયેલી એલિસ હુઆંગ સાથેના પોતાના અંગત સંબંધો હોવાની કબૂલાત કરી હતી. આ મેગાસપીડ કંપની પર યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ચીનને એન્વિડિયાની ચિપ્સ સપ્લાય કરવામાં મદદ કરવાના શંકાસ્પદ મામલે તપાસ ચાલી રહી છે.
આ મુકદ્દમામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે મીડિયામાં આ કૌભાંડ અને સંબંધોના અહેવાલો આવ્યા ત્યારે જેનસેન હુઆંગ અને એન્વિડિયાના મેનેજમેન્ટે રોકાણકારોને ખોટા નિવેદનો આપીને ગેરમાર્ગે દોર્યા હતા. કંપનીએ શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે તેમની પાલન ટીમ (કોમ્પ્લાયન્સ ટીમ) દ્વારા તપાસ કરવામાં આવી છે અને સિંગાપોરની આ કંપની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી નથી. જો કે, બાદમાં હુઆંગે પોતાના સંબંધો સ્વીકાર્યા અને એન્વિડિયાએ પણ જાસૂસીના આક્ષેપોની તપાસ માટે સ્વતંત્ર તપાસ શરૂ કરી હતી, જેના કારણે રોકાણકારોમાં અચાનક અસંતોષ ફેલાયો હતો.
આ કેસ દાખલ કરનાર રોકાણકાર માર્ક કિસ્ટેનમાકર વતી એવું કહેવામાં આવ્યું છે કે કંપનીના ખોટા નિવેદનોને કારણે એન્વિડિયાના શેરમાં કૃત્રિમ રીતે વધારો થયો હતો અને સત્ય બહાર આવતા જ શેરોના બજાર મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ વિવાદના પગલે સોમવારે એન્વિડિયાના શેરમાં આશરે ૮ ટકાનો શરૂઆતી ઘટાડો જોવા મળ્યો હતો અને કંપનીને કરોડો ડોલરનું નુકસાન થયું હતું. સીઈઓ હુઆંગના આ વ્યક્તિગત વિવાદ અને ઉત્તરાધિકારીના પ્રશ્નને કારણે વૈશ્વિક ટેક માર્કેટમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
