કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી જોસેફ ઇમેન્યુઅલે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ICSE ધોરણ ૧૦ ની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ અંગ્રેજી પેપર-૧ (ભાષા) સાથે શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૭ના રોજ અર્થશાસ્ત્ર અને અન્ય વિષયો સાથે સમાપ્ત થશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે વિષયવાર સચોટ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ૨૨ ફેબ્રુઆરીએ ગણિત, ૨૬ ફેબ્રુઆરીએ ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર, ૧ માર્ચે ભૂગોળ તેમજ ૮, ૧૨ અને ૧૫ માર્ચે અનુક્રમે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનની પરીક્ષાઓ લેવામાં આવશે. આ ઉપરાંત, આર્ટસ, પ્રાદેશિક ભાષાઓ અને વોકેશનલ વિષયોની પરીક્ષાઓ પણ સમગ્ર માર્ચ મહિના દરમિયાન તબક્કાવાર યોજાશે.
પરીક્ષાના સંચાલનને વધુ ચુસ્ત અને વ્યવસ્થિત બનાવવા માટે કાઉન્સિલ દ્વારા નવા સમયની પણ કડક જાહેરાત કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓએ સવારે ૯:૪૫ વાગ્યા સુધીમાં પોતાના નિર્ધારિત પરીક્ષા ખંડ કે હોલમાં બેસી જવાનું રહેશે. પ્રશ્નપત્ર વાંચવા માટે સવારે ૧૦:૦૦ વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે, જ્યારે બરાબર ૧૦:૧૫ વાગ્યાથી લેખન કાર્યનો પ્રારંભ થશે. સમયનું આ ચોક્કસ પાલન તમામ પરીક્ષાર્થીઓ માટે ફરજિયાત રહેશે જેથી પરીક્ષાના દિવસે કોઈપણ પ્રકારની અરાજકતા કે મૂંઝવણ ઊભી ન થાય અને પરીક્ષાઓ સુચારૂ રૂપે પાર પડી શકે.
આ વર્ષે CISCE સાથે જોડાયેલી શાળાઓના નેટવર્કનો વ્યાપ દશર્વતા અહેવાલ મુજબ, સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી પરીક્ષા આપવાના છે. આ વિશાળ વિદ્યાર્થી વર્ગને ધ્યાનમાં રાખીને દેશભરમાં અને વિદેશમાં કુલ ૨,૮૩૫ પરીક્ષા કેન્દ્રોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને અગાઉથી જ ટાઇમટેબલ ચકાસીને પોતાની તૈયારીઓ શરૂ કરી દેવા અને સમયપત્રક મુજબ અભ્યાસનું આયોજન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
