JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ચીનના સોલાર ટેકનોલોજી નિકાસ નિયંત્રણોથી ભારતમાં રૂફટોપ સોલાર મોંઘા થશે?

Nov 10, 2026 | 15:05 | By JAMNAGAR MIRROR
ચીનના સોલાર ટેકનોલોજી નિકાસ નિયંત્રણોથી ભારતમાં રૂફટોપ સોલાર મોંઘા થશે?
ચીન દ્વારા સોલાર ઉત્પાદન ટેકનોલોજીની નિકાસ પર પ્રસ્તાવીત પ્રતિબંધોથી ભારતમાં રૂફટોપ સોલારના ભાવ પર તાત્કાલિક કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. જો કે, આ પગલું ભારતના સ્વદેશી સોલાર ઉત્પાદન અને ટેકનોલોજીના સ્વાવલંબન સામે લાંબા ગાળે મોટા પડકારો ઊભા કરી શકે છે.

વર્તમાન સમયમાં ભારતમાં રૂફટોપ સોલાર સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ચીનના નવા સોલાર નિકાસ નિયંત્રણોના પ્રસ્તાવને કારણે ભવિષ્યને લઈને નવી અનિશ્ચિતતાઓ ઊભી થઈ છે. વૈશ્વિક સ્તરે સોલાર મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર ગણાતા ચીને સિલિકોન વેફર્સ, અદ્યતન સોલાર સેલ્સ અને પોલીસીલિકોન જેવી ૧૨ મુખ્ય સોલાર ઉત્પાદન ટેકનોલોજીની નિકાસ પર નિયંત્રણો મૂકવાની દરખાસ્ત કરી છે. આ પ્રસ્તાવિત નિયંત્રણોમાં ટોપકોન (TOPCon), હેટરોજંકશન અને પર્વોસ્કાઇટ જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જોકે, આ કોઈ તૈયાર સોલાર પેનલ્સ પરનો પૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તે એવી ટેકનોલોજી અને સાધનો સાથે જોડાયેલો છે જે અદ્યતન સોલાર સેલ બનાવવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રસ્તાવ પર ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી જાહેર પરામર્શ ચાલુ છે, જેની અસર ઘરેલુ સોલાર ક્ષમતા વિકસાવવા માંગતા દેશો પર પડી શકે છે.

સામાન્ય ગ્રાહકો અથવા ઘર વપરાશ માટે રૂફટોપ સોલાર લગાવવા માગતા લોકો માટે સૌથી રાહતની વાત એ છે કે તેના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવવાની કોઈ શક્યતા નથી. ઉદ્યોગ જગતના નિષ્ણાતોના મતે, પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજના જેવી સરકારી પહેલો અને ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ (DCR) ની જોગવાઈઓને કારણે ભારતનું બજાર અગાઉ કરતા ઘણું સુરક્ષિત છે. દેશમાં સોલાર સેલ ઉત્પાદન ક્ષમતા નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં ૨૫ ગીગાવોટ અને ૨૦૨૭ સુધીમાં ૬૦ ગીગાવોટ સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતની હાલની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા પૂરતી સ્થિર છે અને તે ઘરેલુ માંગને પહોંચી વળવા સક્ષમ છે. આમ, તૈયાર પેનલ્સની આયાત ચાલુ રહેવાની હોવાથી ઘર વપરાશના ગ્રાહકો પર તેની સીધી અને નહિવત્ અસર જોવા મળશે.

છતાં, આ પડકાર માત્ર મોડ્યુલ પૂરતો મર્યાદિત નથી પરંતુ અપસ્ટ્રીમ ઘટકો અને ટેકનોલોજીનો છે, જ્યાં ભારત હજુ પણ આયાત પર નિર્ભર છે. ભારત પાસે મોડ્યુલ ઉત્પાદનની મોટી ક્ષમતા છે, પરંતુ સેલ, વેફર્સ અને પોલીસીલિકોન જેવા ઘટકોમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. નિષ્ણાતો માને છે કે માત્ર ફેક્ટરીઓ વધારવાને બદલે સંશોધન અને વિકાસ (R&D) પાછળ રોકાણ કરવું અનિવાર્ય બનશે, જેથી ટોપકોન અને પેરોસ્કાઇટ જેવી અત્યાધુનિક તકનીકો દેશમાં જ વિકસાવી શકાય. સોલાર ઇન્વર્ટર ડિઝાઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત તપાસ અને રિસાયકલિંગ જેવી બાબતો પર ધ્યાન આપીને જ ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર સોલાર ઇકોસિસ્ટમ સ્થાપી શકશે.

LATEST ARTICLES