હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશીત સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધોના કેટલાક રસપ્રદ પાસાઓ બહાર આવ્યા છે. પુસ્તકમાં સોનિયા ગાંધીએ ખુલાસો કર્યો છે કે વડાપ્રધાન મોદી સાથે તેમની ક્યારેય કોઈ વાસ્તવિક કે ઊંડી વાતચીત થઈ નથી. સંસદ સત્રના અંતે મળતી ઔપચારિક બેઠકોમાં જ્યારે તેઓ સામસામે આવે છે ત્યારે માત્ર એક 'નમસ્તે' જેવો ઔપચારિક શિષ્ટાચાર જ જળવાઈ રહે છે, જ્યાં પીએમ મોદી સામાન્ય રીતે આંખો મિલાવવાનું ટાળીને બીજી તરફ જોવાનું પસંદ કરે છે. ભૂતકાળમાં રાજકીય પક્ષો વચ્ચે જોવા મળતી પારસ્પરિક ઉષ્મા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ હવે બદલાઈ ગયું હોવાનું પણ તેમણે નોંધ્યું છે.
બંને નેતાઓ વચ્ચેના વિચારધારાકીય મતભેદો પર પ્રકાશ પાડતા સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી અને તેમનું ભારત અંગેનું વિઝન બિલકુલ જુદું છે. મોદીજીનું ભારતનું સ્વપ્ન આરએસએસની વિચારધારા અને કટ્ટર હિન્દુત્વ પર આધારિત છે, જ્યાં શિસ્ત, નિયંત્રણ અને બહુમતીવાદ સર્વોપરી છે. તેની સામે, સોનિયા ગાંધીનું ભારત સર્વસમાવેશકતા, ધર્મનિરપેક્ષતા, સ્વતંત્રતા અને સામાજિક ન્યાયના પાયા પર ઊભું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વૈચારિક ભિન્નતા કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ બંને પોતપોતાની દ્રષ્ટિએ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે લડી રહ્યા છે. આ ઉપરાંત, પીએમ મોદીના સંઘર્ષપૂર્ણ ભૂતકાળ અને આરએસએસમાં તેમની મહેનતની પ્રશંસા કરવાની સાથે તેમણે ભાજપ દ્વારા પૂર્વ વીએમ જવાહરલાલ નેહરૂ અને કોંગ્રેસ વિરુદ્ધ ચાલતી રાજકીય રણનીતિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
પોતાની અંગત રાજકીય સફર વિશે વાત કરતા સોનિયા ગાંધીએ દિલ્હીના ડ્રોઈંગ રૂમની રાજનીતિ અને સામાન્ય જનતાના વાસ્તવિક જીવન વચ્ચે રહેલી ખીણનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે દિલ્હીના ઉચ્ચ વર્ગની ચર્ચાઓ સામાન્ય નાગરિકોના વાસ્તવિક સંઘર્ષોથી ઘણી દૂર હોય છે, જે અસ્વસ્થતા પેદા કરતી હતી. જોકે, આ પુસ્તક માત્ર રાજકારણ પૂરતું સીમિત નથી, પરંતુ તે એક વ્યક્તિગત સંસ્મરણ છે જેમાં અહિંસા, ધર્મ અને ભારતીય સંસ્કૃતિની વિવિધતાના મૂળ્યોને સર્વોપરી રાખવામાં આવ્યા છે. આ પુસ્તક ભારતીય લોકશાહીના બે મોટા રાજકીય ધ્રુવો વચ્ચેના આંતરવ્યક્તિત્વ અને વૈચારિક અંતરની એક અનોખી ઝાંખી કરાવે છે.
