દુબઈ સ્થિત કેનેડિયન યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી ૨૧ વર્ષીય નાઈફા બલ્કીસ હમીદ પોતાની યુનિવર્સિટી જઈ રહી હતી તે દરમિયાન અલ ખવાનીજ સ્ટ્રીટ પર તેની કારનું ટાયર પંચર થઈ ગયું હતું. આ અકસ્માત સર્જાયો તેની થોડી મિનિટો પહેલા જ નાઈફાએ ભારતમાં પરિવારના એક પ્રસંગમાં હાજરી આપી રહેલા પોતાના પિતા બિનુ હમીદ સાથે ફોન પર વાત કરી હતી અને ટાયર પંચર થયાની જાણ કરી હતી. પિતાએ તેને તાત્કાલિક રોડસાઈડ આસિસ્ટન્સનો સંપર્ક કરવા, કાર વર્કશોપમાં મોકલવા અને કોલેજ જવા માટે ટેક્સી પકડવા સલાહ આપી હતી. આ વાતચીત બાદ આશરે પાંચ મિનિટ પછી જ્યારે તેના પિતાએ ફોન કર્યો ત્યારે સામેથી કોઈ જવાબ મળ્યો નહીં અને થોડા સમય બાદ દુબઈ પોલીસ તરફથી આ દુર્ઘટના અંગેના દુઃખદ સમાચાર પરિવારને મળ્યા હતા.
પ્રાથમિક તપાસ મુજબ જ્યારે નાઈફા પોતાની કારની પાછળ ઊભા રહીને રોડ પર મદદની રાહ જોઈ રહી હતી, ત્યારે જ એક બેકાબૂ અને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેને અડફેટે લીધી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે દુબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂરપાટ ઝડપે ગાડી ચલાવનાર ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ કેરળના થડુપુઝાની રહેવાસી અને હાલ દુબઈમાં સ્થાયી થયેલી આહમીદ પરિવાર માટે આ આઘાતજનક સમાચાર વજ્રઘાત સમાન સાબિત થયા છે, કારણ કે થોડા દિવસો પહેલા જ નાઈફા અને તેની માતા કેરળમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પાછા દુબઈ પરત ફર્યા હતા.
પરિવારજનોના જણાવ્યા અનુસાર નાઈફા એક અત્યંત પ્રેમાળ, સંસ્કારી અને ખાસ દીકરી હતી જે સૌના જન્મદિન અને લગ્નવાર્ષિકગી યાદ રાખીને અચૂક કાર્ડ કે ભેટ મોકલતી હતી અને બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરતી હતી. તેણી ૧૮ વર્ષની વયથી જ વાહન ચલાવવામાં નિપુણ હતી અને તેના પિતા કાર શોખીન હોવાથી પરિવાર પાસે અનેક વાહનો છે, પરંતુ અકસ્માતવાળા દિવસે તે તેના ભાઈની કાર લઈને કોલેજ નીકળી હતી જે ભાઈ કેરળ રોકાયેલા હોવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હતી. એક હોશિયાર અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી યુવતીના આકસ્મિક અને અકાળે થયેલા અવસાનથી સમગ્ર યુનિવર્સિટી પરિસર અને ભારતીય સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
