દિવાળીના ભવ્ય તહેવાર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે તમામ હદો વટાવી દીધી છે, જેના કારણે વાતાવરણમાં ઝેરી ધુમાડાના ગોટેગોટા છવાયેલા છે. દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૨૯૯ પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદની ચોક અને તાલકટોરા ગાર્ડન જેવા મુખ્ય વિસ્તારોમાં આ આંકડો સીધો ૪૦૦ ની નજીક પહોંચી ગયો છે. શહેરના ૫૯ મોનિટરિંગ સ્ટેશનો પૈકી ૨૪ સ્થળોએ AQI 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો છે, જ્યારે પૂસા વિસ્તારમાં તો સ્થિતિ અત્યંત વરવી બનીને AQI ૩૮૫ સુધી દર્શાવવામાં આવ્યો છે. આ કથળેલી સ્થિતિ વચ્ચે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના અહેવાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે દિલ્હીમાં આ વર્ષે દિવાળી પર અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાના ફટાકડાનું ધૂમ વેચાણ થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં ૩૦ ટકા વધુ છે અને મોટાભાગની દુકાનોમાં સ્ટોક અગાઉથી જ ખલાસ થઈ ગયો હતો.
આ ભયાનક પર્યાવરણીય સ્થિતિને લઈને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જાણીતા ડૉક્ટર વિજય હદ્દાએ અત્યંત આઘાતજનક અને વિચાર માંગી લેવું નિવેદન આપ્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે AQI ક્યારેક માત્ર ત્રણ અંકમાં સીમિત હતો તે આજે ચાર અંક સુધી પહોંચવાની તૈયારીમાં છે અને ભારતનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હીના નાગરિકોની જિંદગી અત્યંત દુષ્કર બની ગઈ છે. ડૉ. હદ્દાએ ગણતરી સમજાવતા કહ્યું કે એક સામાન્ય માનવી દર મિનિટે ૨૦ વાર શ્વાસ લે છે અને દરેક શ્વાસમાં અડધો લીટર હવા અંદર ખેંચે છે, ત્યારે આખો દિવસ શરીરમાં કેટલું ઝેર પ્રવેશતું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આટલી ઝેરી હવામાં પણ આપણે જીવિત કેવી રીતે રહી શકીએ છીએ અને સમયની સાથે આ પ્રદૂષણની શરીરમાં ગંભીર તથા જીવલેણ અસરો જોવા મળશે.
તબીબી નિષ્ણાતો દ્વારા આ પ્રદૂષણના લાંબા ગાળાના ખતરા અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. હાલના તબક્કે શ્વાસ લેતી વખતે ભારેપણું લાગવું, ગળું સૂકું થઈ જવું, નાક સતત બંધ રહેવું અને આંખોમાં બળતરાની સાથે પાણી આવવું જેવા પ્રાથમિક લક્ષણો સામાન્ય બની ગયા છે. પરંતુ અસલી ખતરો એ છે કે આ ઝેરી ગેસ સતત શરીરમાં જવાના કારણે ભવિષ્યમાં શરીરના મહત્વપૂર્ણ અંગો પર તેની અત્યંત વિપરીત અસરો પડી શકે છે જે આજે કદાચ સ્પષ્ટ દેખાતી નથી પણ આવનારા દિવસોમાં જીવલેણ સાબિત થઈ શકે છે. વધતા જતા અવાજના પ્રદૂષણ સાથે હવાની આ ગંભીર ગુણવત્તા સમગ્ર પ્રશાસન અને જનતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે, જેને નાથવા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે.
