JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગના ચીની એજન્ટ સાથેના સંબંધો મામલે એફબીઆઈની તપાસ શરૂ, ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

Nov 10, 2026 | 07:25 | By JAMNAGAR MIRROR
એનવીડિયાના સીઈઓ જેેનસન હુઆંગના ચીની એજન્ટ સાથેના સંબંધો મામલે એફબીઆઈની તપાસ શરૂ, ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર એનવીડિયા કંપનીના સીઈઓ જેેનસન હુઆંગ એક ચીની મહિલા સાથેના અંગત સંબંધો અને જાસૂસીના આક્ષેપોને કારણે વિવાદમાં ઘેરાયા છે, જેની તપાસ અમેરિકી એજન્સી એફબીઆઈ કરી રહી છે.

વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) જેેનસન હુઆંગના ચીની સરકારના કથિત એજન્ટ સાથેના સંબંધોને લઈને અમેરિકામાં રાજકીય અને સુરક્ષા સ્તરે હલચલ મચી ગઈ છે. તાજેતરમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી હતી કે એફબીઆઈ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટ્રમ્પે હુઆંગનો બચાવ કરતા તેમને એક 'ખૂબ જ સન્માનિત વ્યક્તિ' ગણાવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ કાનૂની અને સુરક્ષા સંબંધી મામલામાંથી હેમખેમ બહાર આવી જશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે હુઆંગ સાથે આ મુદ્દે વાતચીત કરી ત્યારે હુઆંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ બિલકુલ અજાણ હતા કે જે મહિલા સાથે તેઓ સંપર્કમાં હતા તે કોઈ જાસૂસ હોઈ શકે છે.

આ સમગ્ર વિવાદ ત્યારે સપાટી પર આવ્યો જ્યારે 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' દ્વારા એવો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો કે યુએસ ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે આ મહિલા બેઇજિંગ માટે ગુપ્ત માહિતી એકત્ર કરી રહી હતી. આ મહિલાની ઓળખ એલિસ હુઆંગ તરીકે થઈ છે, જે સિંગાપોર સ્થિત 'મેગાસ્પીડ ઇન્ટરનેશનલ' નામની ડેટા સેન્ટર કંપનીની પૂર્વ એજ્યુકેટિવ હતી અને ગત વર્ષે આ કંપની પર એનવીડિયાના અદ્યતન કમ્પ્યુટર ચિપ્સની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો આક્ષેપ લાગ્યો હતો. અહેવાલો બહાર આવતા જ એનવીડિયાના શેરમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં આશરે ૫ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. કંપનીની પ્રતિષ્ઠા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનવીડિયાએ રવિવારે જ જાહેરાત કરી હતી કે તેઓ આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરશે.

પોતાની ભૂલ સ્વીકારતા જેેનસન હુઆંગે એનવીડિયાની વેબસાઇટ પર એક ખુલ્લો પત્ર જાહેર કરીને પોતાની પત્ની અને કંપનીની માફી માંગી હતી અને આંતરરાષ્ટ્રીય ગુપ્તચર પ્રયાસો સામેની આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. બીજી બાજુ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને આ તમામ જાસૂસીના આક્ષેપોને પાયાવિહોણા અને બેઇજિંગ વિરુદ્ધનું એક બદનામીનું અભિયાન ગણાવીને ફગાવી દીધા છે. ચીની સરકારી મીડિયાએ પણ એવો દાવો કર્યો છે કે આ પ્રકારના અહેવાલોનો મુખ્ય હેતુ અમેરિકા અને ચીન વચ્ચે સુધરી રહેલા સંબંધોને અસ્થિર કરવાનો છે. હાલમાં આ મામલે એફબીઆઈની તપાસ ચાલુ છે ત્યારે એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે શું હુઆંગને આ જાસૂસી પ્રવૃત્તિઓની કોઈ જાણકારી હતી કે કેમ અને શું કોઈ સંવેદનશીલ માહિતી લીક થઈ છે કે નહીં.

LATEST ARTICLES