સોમવારે જનસેના પાર્ટીના સત્તાવાર મીડિયા જૂથ દ્વારા જારી કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં પવન કલ્યાણ અને અન્ના કોનિડેલાએ તેમના અલગ થવાના નિર્ણયની જાહેરાત કરી હતી. નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જીવનના એક મહત્વપૂર્ણ તબક્કાને સાથે વિતાવ્યા બાદ, બંનેએ પરસ્પર સમજૂતી અને આદરપૂર્વક પોતાના રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે. લગ્નજીવનનો અંત આવ્યો હોવા છતાં, તેઓ સારા મિત્રો બની રહેશે અને તેમના સંતાનોની જવાબદારી ઉત્સાહપૂર્વક સંભાળતા રહેશે. બાળકોની ખુશી અને ઉત્તમ ભવિષ્ય હંમેશાં તેમની પ્રાથમિકતા રહેશે તેમ પણ આ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે.
આ વ્યક્તિગત પરિવર્તનના સમયમાં બંનેએ જનતા અને મીડિયા પાસે ગોપનીયતા જાળવવા તેમજ સમજદાર અને સન્માનજનક વર્તનની અપેક્ષા રાખી છે. આ ઉપરાંત, આ સમગ્ર સફર દરમિયાન જેમણે પણ તેમને સાથ અને સમર્થન આપ્યું છે તે તમામનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો છે. નોંધનીય છે કે મૂળ રશિયન નાગરિક એવા અન્ના કોનિડેલાએ પવન કલ્યાણ સાથે વર્ષ ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં લગ્ન કર્યા હતા. અન્નાએ પવન કલ્યાણની ફિલ્મ 'તીન માર'માં અભિનય પણ કર્યો હતો અને આ દંપતીને એક પુત્ર તથા પુત્રી છે.
આંધ્ર પ્રદેશના અગ્રણી રાજકીય નેતા અને અભિનેતા પવન કલ્યાણના આ અગાઉના લગ્ન જીવનની વાત કરીએ તો, તેમણે વર્ષ ૧૯૯૭માં નંદિની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, જેઓ ૨૦૦૮માં છૂટાછેડાથી અલગ થયા હતા. ત્યારબાદ તેમણે અભિનેત્રી રેણુ દેસાઈ સાથે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા અને તેમને પણ એક પુત્ર તથા પુત્રી છે. રેણુ દેસાઈ સાથેના છૂટાછેડા પછી પવન કલ્યાણે અન્ના સાથે લગ્ન કર્યા હતા. હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહેલા પવન કલ્યાણના આ અંગત નિર્ણયથી રાજકીય અને મનોરંજન જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
