વિશ્વની અગ્રણી ચિપ બનાવતી કંપની એનવીડિયાના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેસેન હુઆંગના અંગત જીવનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, હુઆંગના એલિસ હુઆંગ (જે હુઆંગ લે તરીકે પણ ઓળખાય છે) નામના મહિલા સાથે ગાઢ સંબંધો વિકસ્યા હતા, જેઓ ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હોવાની શંકા છે. આ ગંભીર ખુલાસા બાદ ટેક વર્તુળોમાં હડકંપ મચી ગયો છે અને વૈશ્વિક સ્તરે સુરક્ષાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ જેસેન હુઆંગે રવિવારે કંપનીના કર્મચારીઓને એક ખુલ્લો પત્ર લખીને પોતાના આચરણ અંગે સ્પષ્ટ કબૂલાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, "મેં મારી પત્ની સાથે દગો કર્યો છે અને મારા કૃત્યથી મારા પરિવારને ભારે ઠેસ પહોંચી છે. મેં જે કર્યું તેનો કોઈ બચાવ કે બહાનું હોઈ શકે નહીં." હુઆંગે પોતાના પરિવાર, પત્ની તેમજ બાળકોની માફી માંગવાની સાથે-સાથે કંપનીના કર્મચારીઓ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને ભાગીદારો સમક્ષ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને શરમ અનુભવી હોવાનું જણાવ્યું હતું.
આ ગંભીર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનવીડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે જેસેન હુઆંગ વિરુદ્ધ એક સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. જોકે, બોર્ડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના કોઈ ગુપ્ત રહસ્યો લીક થયા હોય. બીજી તરફ, જેસેન હુઆંગે આ આંતરિક તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે અને જણાવ્યું છે કે તેઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
