હંગેરીના બુડાપેસ્ટ સ્થિત એનાન્ટ્રા ન્યૂ યોર્ક પેલેસ ખાતે આગામી ૧૦ નવેમ્બરથી રોમાંચક ટોટલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર પાયલોટનો આરંભ થવા જઈ રહ્યો છે. આ ભવ્ય ટુર્નામેન્ટમાં મેગ્નસ કાર્લસન, ફેબિયાનો કારુઆના, ભારતના પ્રજ્ઞાનનંદ અને અર્જુન એરિગાઈસી સહિત દુનિયાના ૨૪ શ્રોષ્ઠ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. જોકે, આ સ્પર્ધા શરૂ થાય તે પહેલાં જ તેના ગ્રુપ સ્ટેજ ફોર્મેટને લઈને ભારે ચર્ચા જાગી છે. આ ફોર્મેટ મુજબ, સેમિફાઇનલ માટેની લાયકાત માત્ર 'ફાસ્ટ ક્લાસિકલ' રમતથી જ નક્કી થશે, જ્યારે રેપિડ અને બ્લિટ્ઝ ફોર્મેટનો ઉપયોગ નોકઆઉટ તબક્કામાં જ કરવામાં આવશે.
આ મામલે 'ટોટલ ચેસ' અને 'નોર્વે ચેસ'ના સ્થાપક તથા સીઈઓ કેજેલ મેડલેન્ડે એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ફોર્મેટ નવું હોવાથી તેને ચકાસવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભલે ૨૦ ખેલાડીઓ ટાઇટલની રેસમાંથી બહાર થઈ જાય, પરંતુ તેઓ સ્પર્ધામાંથી બહાર નથી ફેંકાયા અને છેલ્લી ઘડી સુધી તમામ મેચો રમતા રહેશે. ગ્રુપ સ્ટેજમાં ખેલાડીઓને ચાર અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા છે, જ્યાં દરેક ખેલાડી ૪૫ મિનિટના સમય સાથે ડબલ રાઉન્ડ રોબિન મેચ રમશે. આ ઉપરાંત, પ્રારંભમાં રમાનાર બ્લિટ્ઝ ટૂર્નામેન્ટના પરિણામોનો ઉપયોગ ગ્રુપ સ્ટેજમાં ટાઇ-બ્રેક નક્કી કરવા માટે કરવામાં આવશે.
ટુર્નામેન્ટના નોકઆઉટ અને ફાઇનલ મુકાબલાઓ અત્યંત રોમાંચક અને વૈવિધ્યસભર રહેશે, જેમાં બ્લિટ્ઝ, રેપિડ અને ફાસ્ટ ક્લાસિકલ ત્રણેય ફોર્મેટનો સમન્વય જોવા મળશે. મેડલેન્ડે સ્વીકાર્યું હતું કે કોઈપણ નવા પ્રયોગ સામે સવાલો ઉઠતા હોય છે, પરંતુ ખેલાડીઓ અને પ્રશંસકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિડે (FIDE) અને હંગેરિયન ચેસ ફેડરેશનના સહયોગથી યોજાતી આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચેસની રમતને સમય સાથે બદલીને નવા દર્શકો અને ડિજિટલ માધ્યમો સુધી વધુ આકર્ષક બનાવવાનો છે, જેથી આ વૈશ્વિક રમતનો વ્યાપ વધુ વિસ્તરી શકે.
