JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુજરાતમાં સાયબર ક્રાઈમનું આંતરરાષ્ટ્રીય માયાજાળ: વર્ષ 2016ના ૩૬૨ કેસથી વધીને 2026માં આંકડો એક લાખને પાર

Nov 09, 2026 | 09:00 | By JAMNAGAR MIRROR
ગુજરાતમાં સાયબર ક્રાઈમનું આંતરરાષ્ટ્રીય માયાજાળ: વર્ષ 2016ના ૩૬૨ કેસથી વધીને 2026માં આંકડો એક લાખને પાર
ગુજરાતમાં ડિજિટલ યુગ સાથે સાયબર ક્રાઈમના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. વર્ષ 2016માં માત્ર ૩૬૨ કેસ નોંધાયા હતા, જે એક દશકામાં વધીને 2026માં એક લાખને વટાવી ગયા છે અને આ ઠગાઈનું નેટવર્ક હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બેકાબૂ બન્યું છે.

સમયની સાથે ગુનાખોરીના સ્વરૂપો પણ બદલાયા છે. એક સમય હતો જ્યારે લોકો માત્ર દિવાળી જેવા તહેવારોમાં ઘરફોડ ચોરી સામે સાવચેત રહેતા હતા, પરંતુ આજે બદલાતા સમય સાથે બેંક ખાતા અને ઓનલાઈન વ્યવહારો સુરક્ષિત રાખવા તે સૌથી મોટો પડકાર બની ગયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૫-૧૬ના અરસામાં ઓનલાઈન છેતરપિંડીની શરૂઆત થઈ હતી, જે આજે દસ વર્ષના ટૂંકાગાળામાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. શરૂઆતના વર્ષોમાં એટલે કે 2016માં રાજ્યમાં સાયબર ઠગાઈના માત્ર 362 ગુના નોંધાયા હતા, જેની સામે પોલીસ કે ખુદ ભોગ બનનારના સ્વજનો પણ સરળતાથી વિશ્વાસ કરતા નહોતા. પરંતુ સમય જતા આ સમસ્યાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમાઓ વટાવીને એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

કોવિડ-19 મહામારી અને લોકડાઉનનો સમયગાળો સાયબર ગુનેગારો માટે સોનેરી તક સાબિત થયો હતો. વર્ષ 2020થી શરૂ થયેલા આ સમયગાળામાં લોકો ઘરની ચાર દીવાલોમાં કેદ થઈ જતાં સ્માર્ટફોન અને ઓનલાઈન બેન્કિંગનો વપરાશ અનેકગણો વધી ગયો હતો. ઓનલાઈન વ્યવહારો અને મોબાઈલ બેન્કિંગનું પૂરતું જ્ઞાન ન ધરાવતા સામાન્ય નાગરિકો આ ડિજિટલ માયાજાળમાં સહેલાઈથી ફસાઈ ગયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના વધતા ઉપયોગ સાથે જ બ્લેકમેઇલિંગ, ફેક પ્રોફાઈલ, મહિલાઓની તસવીરો મોર્ફ કરીને બદનામ કરવી અને સ્ટોકિંગ જેવા ગુનાઓમાં અણધાર્યો ઉછાળો આવ્યો. ભલે ગુજરાત પોલીસ વર્ષ 2019થી સક્રિય થઈને 'સાયબર આશ્વાસન' પ્રોજેક્ટ અને હેલ્પલાઈન જેવી પહેલ કરી ચૂકી હોય, છતાં હજુ પણ નાગરિકોમાં પૂરતા પ્રમાણમાં લોકજાગૃતિનો અભાવ હોવાથી ગઠિયાઓ ફાવી રહ્યા છે.

હવે આ સાયબર ઠગાઈનું નેટવર્ક માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે, જેમાં ચાઈનીઝ ગઠિયાઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કમ્બોડિયા, મ્યાનમાર અને રશિયા જેવા દેશોમાં મોટા કોલ સેન્ટર્સ શરૂ કરીને ભારતમાંથી યુવાવર્ગને નોકરીની લાલચ આપીને બોલાવવામાં આવે છે અને ત્યાં તેમને બંધક બનાવીને ભારતીય નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે. હજારો રૂપિયાથી લઈને કરોડો રૂપિયા સુધીની ઠગાઈના દર વર્ષે એક લાખથી વધુ કેસ પોલીસ સુધી પહોંચી રહ્યા છે, જેમાંથી નોંધપાત્ર ગુનાઓ જ ચોપડે ચડે છે. સાયબર ઠગો હવે એટલી ચતુરાઈથી નવા કિમીયા અપનાવી રહ્યા છે કે ક્યારે કયા સ્વરૂપે છેતરપિંડીનો ભોગ બનવું પડે તે કહી શકાતું નથી, જેના કારણે નાગરિકો માટે અત્યંત સતર્ક રહેવું અનિવાર્ય બન્યું છે.

LATEST ARTICLES