ઓગસ્ટ ૨૦૦૧માં કેનેડાના ટોરેન્ટોથી લિસ્બન જઈ રહેલી એર ટ્રાન્સએટ ફ્લાઇટ ૨૩૬ નાં મુસાફરો માટે આ એક સામાન્ય મુસાફરી હતી, પરંતુ એટલાન્ટિક મહાસાગર ઉપર પહોંચતા જ તે જીવન-મરણના સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. ઉડ્ડયન દરમિયાન વિમાનની ફ્યુઅલ લાઇનમા ફ્રેક્ચર થવાને કારણે મોટી માત્રામાં બળતણ લીક થઈ ગયું હતું, જેની શરૂઆતમાં પાયલટોને યોગ્ય જાણ થઈ શકી નહીં. જ્યારે ભૂલ સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે બળતણ ઘટવાને બદલે વધુ વેગથી લીક થવા લાગ્યું. પરિસ્થિતિ એટલી હદે વણસી કે પહેલા જમણું અને બાદમાં ડાબું એમ બંને એન્જિન બંધ થઈ ગયા, જેના કારણે વિશાળકાય એરબસ A330 કોઈ પણ એન્જિન પાવર વગર એક સાધારણ ગ્લાઈડરમાં ફેરવાઈ ગઈ.
એન્જિનો બંધ થયા બાદ વિમાન હવામાં જ લાચાર બની ગયું હતું અને તે સમયે વિમાન અઝોર્સ ટાપુઓ પર આવેલા લાજેસ એરબેઝથી અંદાજે ૧૫૦ નોટિકલ માઈલ દૂર હતું. આવી અત્યંત કપરી પરિસ્થિતિમાં કેપ્ટન રોબર્ટ પિચે અને ફર્સ્ટ ઓફિસર ડર્ક ડેજેગરે અસાધારણ સંયમ અને કુશળતાનું પ્રદર્શન કર્યું. વિમાનનું કટોકટી ટર્બાઇન આપમેળે ખુલી જવાથી જરૂરી ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પાવર મળ્યો, પરંતુ સામાન્ય બ્રેકિંગ અને ફ્લૅપ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. એર ટ્રાફિક કંટ્રોલર્સના રડાર માર્ગદર્શન હેઠળ, પાયલટોએ વિમાનને નીચે ઉતારવા માટે અંદાજે ૧૯ મિનિટ સુધી અદ્ભુત ગ્લાઈડિંગ કૌશલ્ય દાખવ્યું અને વિમાનને રનવે તરફ દોરી ગયા.
વિમાને આશરે ૨૦૦ નોટની ઝડપે લાજેસ એરપોર્ટ પર ખૂબ જ સખત લેન્ડિંગ કર્યું હતું, જેના કારણે ટાયરોને નુકસાન થયું અને વિમાન રનવે પર ઘસડાતું અટક્યું. સદભાગ્યે, વિમાનમાં સવાર તમામ ૨૯૩ મુસાફરો અને ૧૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૩૦૬ લોકોનો આબાદ બચાવ થયો હતો, જોકે કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પાછળથી થયેલી તપાસમાં ખુલાસો થયો કે જમણા એન્જિનની બદલી વખતે અસંગત ભાગોના ઉપયોગને કારણે ઘર્ષણથી આ લીક સર્જાયું હતું. આ અદભુત સાહસને 'અઝોર્સ ગ્લાઈડર' તરીકે યાદ કરવામાં આવે છે અને કેપ્ટન રોબર્ટ પિચેને તેમની ઉત્કૃષ્ટ એરમેનશિપ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અ અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
