તાજેતરમાં મીડિયામાં પ્રસારિત થયેલા એક અહેવાલથી ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો અને લોબિંગ ફર્મોની ભૂમિકાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકન લોબિંગ ફર્મ 'SHW પાર્ટનર્સ LLC' એ આ વર્ષે મે-જૂન દરમિયાન ભારત સરકાર અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આઠ જેટલા ફોન કોલની વ્યવસ્થા કરાવી હતી. આ ફર્મના પ્રમુખ જેસન મિલર હોવાનું અને અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ દાખલ કરાયેલા દસ્તાવેજોમાં આ વાતચીતને 'રાજકીય પ્રવૃત્તિઓ'નો ભાગ ગણાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યા બાદ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે 'મર્કરી પબ્લિક અફેર્સ' નામની અન્ય એક લોબિંગ ફર્મની સેવાઓ પણ લીધી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલો સામે આવતા જ દેશના વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા તેમજ પવન ખેડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર કડાકા ભડાકા કર્યા છે. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પરિસ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે વડાપ્રધાન મોદીને પોતાના 'મિત્ર' ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા કે સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવવા માટે પણ લોબિંગ ફર્મને ભારતીય ટેક્સપેયર્સના નાણાં ચૂકવવા પડી રહ્યા છે. વિપક્ષે આને ગંભીર મુદ્દો ગણાવીને સરકાર પારદર્શિતા દાખવે તેવી માંગ કરી છે.
બીજી બાજુ, વિદેશ મંત્રાલયની ફેક્ટ ચેક ટીમે આ તમામ દાવાઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને સખત શબ્દોમાં ભ્રામક ગણાવીને ફગાવી દીધા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વિદેશી દેશો દ્વારા અમેરિકામાં રાજદ્વારી કામગીરી અને સંબંધો મજબૂત કરવા માટે લોબિંગ ફર્મોની નિમણૂક કરવી એ એક સામાન્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત પ્રક્રિયા છે, અને વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસ વર્ષ 1948થી આવી સેવાઓનો ઉપયોગ કરતો આવ્યો છે, જેની માહિતી સાર્વજનિક જ છે. સરકારના મતે, આ પ્રકારના પાયાવિહોણા અહેવાલો અને નિવેદનોનો હેતુ માત્ર રાજકીય રોકડી કરવાનો અને દેશની છબીને ખરડવાનો છે.
