JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ભારતીય કોર્પોરેટ જગતમાં AI નો વ્યાપ વધ્યો, સમય અને ખર્ચ બચાવવાની સાથે કામની ઝડપમાં પણ મોટો ઉછાળો

Nov 08, 2026 | 22:20 | By JAMNAGAR MIRROR
ભારતીય કોર્પોરેટ જગતમાં AI નો વ્યાપ વધ્યો, સમય અને ખર્ચ બચાવવાની સાથે કામની ઝડપમાં પણ મોટો ઉછાળો
ભારતીય કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રત્યેનો પોતાનો અભિગમ બદલીને તેને નાના પાયલોટ પ્રોજેક્ટ્સમાંથી બહાર લાવીને મોટા સ્તરે લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. જેના પરિણામે વ્યાપારી સ્તરે સમય અને ખર્ચની બચત સાથે કામ કરવાની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં ઓરેકલ વર્લ્ડ 2026 ના અવસરે ઓરેકલ ઇન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને રિજનલ મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આશરે દોઢ વર્ષ પહેલાં દેશની મોટાભાગની કંપનીઓ AI નો ઉપયોગ માત્ર પ્રાયોગિક ધોરણે નાના પ્રોજેક્ટ્સ પૂરતી જ મર્યાદિત રાખતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને ઉદ્યોગો તેને મોટા પાયે અપનાવી રહ્યા છે. ભારતીય કંપનીઓની આ વિશેષતા રહી છે કે તેઓ નવી ટેક્નોલોજી અપનાવવામાં ક્યારેય અચકાતી નથી, પરંતુ તેઓ હંમેશાં તેના વાસ્તવિક ફાયદા જેવા કે સમયની બચત, ખર્ચમાં ઘટાડો અને કાર્યપદ્ધતિની સરળતાને ચોક્કસપણે ચકાસે છે. શરૂઆતના તબક્કે સુરક્ષા અને પ્રદર્શનને લઈને અનેક પ્રકારની શંકાઓ હતી, પરંતુ હવે તેના સકારાત્મક પરિણામો સામે આવતા કંપનીઓએ તેને ઝડપથી સ્વીકારી લીધી છે.

જો કે, આ આધુનિક ટેક્નોલોજીને વ્યાપક સ્તરે અપનાવવાની સફરમાં કેટલાક પડકારો પણ હજુ યથાવત છે, જેમાં મુખ્યત્વે ઊંચો ખર્ચ, કુશળ માનવશક્તિની અછત અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ કૌશલ્યની ખાઈને પૂરવા માટે ઓરેકલ જેવી અગ્રણી કંપનીઓ દેશભરની યુનિવર્સિટીઓ, કોલેજો, આઈટીઆઈ (ITI), પોલિટેકનિક સંસ્થાઓ અને રાજ્ય સરકારો સાથે મળીને યુવાનોને વિશેષ તાલીમ આપી રહી છે. આ ઉપરાંત, દેશમાં સતત વિકસી રહેલા નવા ડેટા સેન્ટર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારને પહોંચી વળવામાં મોટો સહારો બની રહ્યા છે. બીજી તરફ, AI ના નિર્ણયોમાં માનવીય દેખરેખ અને યોગ્ય ગવર્નન્સ હોવું અત્યંત આવશ્યક છે, જેથી તે નિર્ધારિત ઉદ્દેશ્ય મુજબ જ સાચા પરિણામો આપે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય અનિયમિતતાથી બચી શકાય.

ભારતીય બજારમાં પોતાની મજબૂત પકડ ધરાવતી ઓરેકલ કંપની છેલ્લા ૩૩ વર્ષથી દેશના ૧૫ થી વધુ શહેરોમાં સક્રિય છે અને છેલ્લા એક દાયકાથી સતત બે અંકના દરે ગ્રોથ કરી રહી છે. હાલમાં બેન્કિંગ સેક્ટર અને સરકારી ક્ષેત્ર ઉપરાંત દેશની ચારેય પ્રમુખ ટેલિકોમ કંપનીઓ તેની સેવાઓનો ઉપયોગ કરી રહી છે. આગામી ૩ થી 5 વર્ષમાં પોતાના કારોબારની રફતારને વધુ તેજ કરવાની રણનીતિ સાથે કંપની ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને ઉજ્જવળ ભવિષ્યને લઈને સંપૂર્ણ આશાવાદી છે. વૈશ્વિક સ્તરે ભલે જીઓ-પોલિટિકલ પરિબળો અનિશ્ચિત હોય, પરંતુ ભારતીય બજારની આંતરિક ક્ષમતા અને વૃદ્ધિની અપાર સંભાવનાઓ દેશને સાચી અને મજબૂત દિશામાં આગળ ધપાવી રહી છે.

LATEST ARTICLES