JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટમાં આગનો તાંડવ: સોખડા પાસે બે કારખાનામાં ભીષણ આગથી નાસભાગ, મવડીમાં સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

Nov 08, 2026 | 21:50 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં આગનો તાંડવ: સોખડા પાસે બે કારખાનામાં ભીષણ આગથી નાસભાગ, મવડીમાં સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
રાજકોટમાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં સોખડા પાસે લાકડા અને કેમિકલના કારખાનામાં લાગેલી વિકરાળ આગને કારણે ૫૦થી વધુ શ્રમિકોને સલામત ખસેડવામાં આવ્યા છે, જ્યારે મવડીમાં સમયસૂચકતાથી આગ પર કાબૂ મેળવાયો છે.

રાજકોટ શહેરમાં સોમવારે આગ લાગવાની બે ગંભીર ઘટનાઓ બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા વિસ્તાર નજીક બે મોટા કારખાનાઓમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની ગંભીરતા જોતા જ ફાયર વિભાગની બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.

રાજકોટ ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સોખડા પાસે આવેલા 'જે. એચ. વુડન' અને 'દેવ પ્લાસ્ટિક' નામના બે કારખાનાઓમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને કારખાનાની બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટીમાંથી ૫૦ કરતાં વધુ શ્રમિકોને સહીસલામત સ્થળે ખસેડી લીધા હતા જેથી કોઈ જાનહાનિ ન થાય. આગ પર કાબૂ મેળવવા માટે ૫ ફાયર ફાઇટરો અને ૧૫થી વધુ જવાનોની ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે. જો કે, હજુ સુધી આ ભીષણ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ બંને કારખાનાઓમાં ભગવાનની કાષ્ટકલા અને છબીઓ બનાવવાનું કામ થતું હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં લાકડા, કેમિકલ અને તૈયાર જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. કારખાનાના ઊંચા શેડ અને પતરાના આવરણને કારણે પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડતા ફાયર જવાનોએ બાજુના કારખાનાના પતરા તોડીને ત્રણ તરફથી પાણી છાંટવાની રણનીતિ અપનાવી હતી. બીજી તરફ, શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં કાસ્ટિંગની ભઠ્ઠીમાં પણ આગ લાગી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને ગણતરીની મિનિટોમાં જ તે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

LATEST ARTICLES