JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

ગીરના જંગલમાં નવી ૧૦૦ જીપ્સીઓ ઉમેરવાની વન વિભાગની પેરવી સામે ભારે રોષ અને વિરોધ

Nov 08, 2026 | 09:40 | By JAMNAGAR MIRROR
ગીરના જંગલમાં નવી ૧૦૦ જીપ્સીઓ ઉમેરવાની વન વિભાગની પેરવી સામે ભારે રોષ અને વિરોધ
વન્યજીવોના સંરક્ષણને નજરઅંદાજ કરીને ગીરના જંગલમાં પ્રવાસન વધારવાના આડેધડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. સાસણમાં ક્ષમતા કરતા વધુ જીપ્સીઓ દોડાવવાની નવી નીતિથી ઇકો-સિસ્ટમ જોખમાઈ છે અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા ગીરના જંગલને કુદરતી આવાસ તરીકે સાચવવાને બદલે માત્ર પ્રવાસન ઉદ્યોગ અને કમાણીના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગીરની અત્યંત સંવેદનશીલ ઇકો-સિસ્ટમ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. હાલ સાસણના જંગલમાં પર્યટન માટે મર્યાદિત ક્ષમતા હોવા છતાં, કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક અભ્યાસ વગર વન વિભાગ દ્વારા વધુ ૧૦૦ જીપ્સીઓનું ભારણ વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ નવી પોલિસી અંતર્ગત સાસણની આસપાસના ૨૧ ગામોમાં 'ડ્રો' પદ્ધતિ દ્વારા નવા વાહનોને મંજૂરી આપવાનું આયોજન કરાયું છે, જેના કારણે પરમિટોની સંખ્યામાં મોટો વધારો થશે અને જંગલ પર અતિશય માનવીય દખલ વધશે.

પર્યાવરણવિદો અને વન્યજીવ નિષ્ણાતો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે જંગલમાં વાહનોની અવરજવર વધવાથી એશિયાટિક સિંહોની પ્રજનન ક્ષમતા, તેમની કુદરતી વર્તણૂક અને વન્યજીવોના કોરિડોર પર વિપરીત અસરો પડે છે. અગાઉ ગિરનાર અને બરડા જંગલમાં સફારી શરૂ કર્યા બાદ હવે સાસણમાં જીપ્સીઓની સંખ્યા વધારવાનો નિર્ણય સિંહો જેવા લુપ્તપ્રાય વન્યજીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે. વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ કે પાણીના સુચારૂ આયોજન જેવા મૂળભૂત પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર વ્યાપારી હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે વર્તમાન સમયમાં માનવ-વન્યજીવ સંઘર્ષને વધુ વકરાવી શકે તેમ છે.

સરકારના આ એકપક્ષીય અને અવિચારી નિર્ણયને કારણે સ્થાનિક જીપ્સી સંચાલકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા આ નવી નીતિ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી તહેવારોની સિઝનમાં સાસણના સ્થાનિક સંચાલકો દ્વારા સફારીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને જીપ્સીઓ સદંતર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો આ સ્થિતિનું નિર્માણ થશે તો દેશ-વિદેશથી ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે અને પ્રવાસન ક્ષેત્રે મોટી અરાજકતા ફેલાવાની પૂરી શક્યતા રહેલી છે.

LATEST ARTICLES