આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ભવિષ્યની ટેક્નોલોજી નથી રહી પરંતુ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. એજ્યુકેશન, બેંકિંગ, મીડિયા, બિઝનેસ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં AIના ઉપયોગથી જટિલ કાર્યો પણ અત્યંત ઓછા સમયમાં અને સરળતાથી પૂરાં થઈ રહ્યા છે. આ જ કારણ છે કે આજની યુવા પેઢી અને વિદ્યાર્થીઓ ભવિષ્યની જરૂરિયાતોને પારખીને AI સંબંધિત કોર્સ શીખવા માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આધુનિક ટેક્નોલોજીનું આ જ્ઞાન મેળવવા માટે હવે એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર સાયન્સની મોટી ડિગ્રી મેળવવી અનિવાર્ય નથી રહી, કારણ કે સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનો પણ પોતાની જરૂરિયાત મુજબ સરળતાથી શરૂઆત કરી શકે છે.
બજારમાં ઉપલબ્ધ બેઝિક કોર્સિસની વાત કરીએ તો, વિદ્યાર્થીઓ અને નવા શીખનારાઓ માટે સરકારી તેમજ વૈશ્વિક પ્લેટફોર્મ પર અનેક ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે. ભારત સરકારની મફત પહેલ સમાન 'YUVA AI for ALL' કોર્સ માત્ર ૪.૫ કલાકમાં AIની પાયાની અને જવાબદાર ઉપયોગની સમજ આપે છે. આ ઉપરાંત, કોઈ પણ અગાઉના ટેક્નિકલ જ્ઞાન વગર કરી શકાતો 'Google AI Essentials' કોર્સ પ્રોમ્પ્ટ રાઇટિંગ અને રોજિંદા કાર્યોમાં AIની મદદ લેતા શીખવે છે. SWAYAM Plus પર ઉપલબ્ધ 'Fundamentals of Artificial Intelligence' તથા Skill India Digital Hub પર મફત મળતો માઈક્રોસોફ્ટનો 'Unlocking AI for Everyone' કોર્સ મશીન લર્નિંગ અને જનરેટિવ AIની પાયાની જાણકારી માટે શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ રહ્યા છે.
આ પાયાના કોર્સ કરવા માટે માત્ર ૧૦મું કે ૧૨મું પાસ હોવું પૂરતું છે અને કોઈ ખાસ ટેક્નિકલ અનુભવની જરૂર પડતી નથી. AIનું આ બેઝિક જ્ઞાન વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં, રિસર્ચ કરવામાં અને નોકરીયાતોને પોતાનું કામ વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ બને છે. જોકે, આ ક્ષેત્રે માત્ર સર્ટિફિકેટથી નોકરીની ખાતરી મળતી નથી, પરંતુ પ્રેક્ટિકલ સ્કિલ્સ હોવી અનિવાર્ય છે. રસ ધરાવતા ઉમેદવારો Skill India Digital Hub, SWAYAM Plus અને Google જેવા પ્લેટફોર્મ પર જઈને કોર્સની ફી, સમયગાળો અને અન્ય વિગતો ચકાસીને પોતાની કારકિર્દીને નવી દિશા આપી શકે છે.
