હરિયાણાના ફરીદાબાદ સ્થિત સેક્ટર 21સીમાં ઘટેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. મૃતક 45 વર્ષીય પરમજીત ધણખડ સિંગાપોર સ્થિત એક મોટી સોફ્ટવેર કંપનીમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા અને અગાઉ ટેક મહિન્દ્રાના એશિયા-પેસિફિક ઓપરેશન્સના પ્રાદેશિક વડા પણ રહી ચૂક્યા હતા. તેઓ પોતાના ભત્રીજાના લગ્ન અને દિવાળી ઉજવવા માટે માત્ર એક દિવસ પહેલા જ સ્વદેશ પરત ફર્યા હતા. પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું અને સામાન્ય પાર્કિંગના ગેટ તૂટવાના મામલાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓને પળભરમાં માતમમાં ફેરવી નાખી.
ઘટનાની વિગતો મુજબ, આરોપી મોનુ શર્મા અને પરમજીત ધણખડના પરિવાર વચ્ચે લાંબા સમયથી પાર્કિંગ મામલે વિવાદ ચાલતો હતો. તાજેતરમાં પાર્કિંગનો ગેટ તૂટી જવાથી પરમજીતના પુત્ર શૌર્યએ આરોપી મોનુને તે સુધારી લેવા કહ્યું હતું, જેના જવાબમાં આરોપીએ અપશબ્દો કહીને પરમજીતને બોલાવવાની જીદ કરી હતી. આ બાબતે જ્યારે પરમજીત અંકિર પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે આરોપી મોનુને પણ બોલાવ્યો હતો. પોલીસ મથક જેવા સંવેદનશીલ સ્થળે જ આરોપીએ પરમજીતને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે "આજે રાત્રે હું તને જીવતો નહીં છોડું, શું ક્યારેય કોઈ વિધવા કેવી દેખાય છે તે જોયું છે?" જો કે, પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી સમાધાન કરાવ્યું હતું અને આ ગંભીર ધમકીને હળવાશથી લીધી હતી જે પાછળથી એક મોટી પોલીસ લાપરવાહી સાબિત થઈ.
શુક્રવારની રાત્રે આરોપી મોનુ શર્માએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પરમજીત અને તેમના પુત્ર શૌર્યને પાર્કિંગ લોટમાં બોલાવ્યા હતા અને પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી આડેધડ આશરે 15 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાંથી 9 ગોળીઓ પરમજીત ધણખડને વાગતા તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે સદનસીબે તેમના પુત્ર શૌર્યનો બચાવ થયો હતો. હત્યા બાદ આરોપી પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોનુ શર્માની ધરપકડ કરી લીધી છે અને તેના પરિવારના અન્ય પાંચ સભ્યો સામે પણ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં આરોપીના આતંક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
