પેરાગ્વેમાં 'વેનો બેંક' (Ueno Bank) ના અચાનક પતન અને તેના કારણે સર્જાયેલા ગંભીર રાજકીય સંકટને પગલે દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. બેંકના પતનને કારણે લગભગ ૩૦ લાખ ગ્રાહકોની બચત ફ્રીઝ થઈ ગઈ હતી, જેનાથી રોષે ભરાયેલા હજારો નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો શરૂ કર્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેરાગ્વેની સેનેટે તાકીદે સર્વાનુમતે મતદાન કરીને રાષ્ટ્રપતિ સાંતિયાગો પેનાને પદ પરથી હટાવી દીધા હતા. વિપક્ષી નેતાઓ અને વિરોધ પક્ષોએ ઇમરજન્સી કાર્યવાહી કરીને પૂર્વ રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કર્યા જેથી તેઓ રાજકીય પ્રતિરક્ષા (ઈમ્યુનિટી)નો લાભ ન મેળવી શકે. સંસદે તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે મહાભિયોગ ચલાવીને તેમને સત્તાવાર રીતે પદભ્રષ્ટ કર્યા હતા.
પદ ગુમાવ્યાના થોડા જ કલાકોમાં, પેરાગ્વેના પ્રોસિક્યુટરોએ સાંતિયાગો પેના અને સેન્ટ્રલ બેંકના પૂર્વ વડા કાર્લોસ કાર્વાલોની ધરપતનો આદેશ આપ્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પર સત્તાના દુરુપયોગ અને બેંક કૌભાંડમાં સંડોવણી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનાહિત તપાસ ચાલી રહી છે. શનિવારે પોલીસ બંદોબસ્ત હેઠળ કાળા રંગની એસયુવીમાં સાંતિયાગો પેનાને એટર્ની જનરલની ઓફિસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. આ અગાઉ શુક્રવારે મોડેથી તેમને લશ્કરી બેઝ પર ખસેડવામાં આવ્યા હતા કારણ કે તેમના નિવાસસ્થાન બહાર સેંકડો ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા હતા. જોકે, પેનાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને વિદાય સંદેશમાં જણાવ્યું છે કે તેઓ દેશમાં વધુ વિભાજન કે અસ્થિરતા નથી ઈચ્છતા.
આ મોટા રાજકીય ઉથલપાથલ બાદ ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલીઆનાએ દેશની કમાન સંભાળી છે અને નવી કેબિનેટની રચનાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ, સેન્ટ્રલ બેંકે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૧૨ લાખથી વધુ ગ્રાહકોને તેમની વીમાયુક્ત થાપણો આંશિક કે સંપૂર્ણપણે પરત મળી ચૂકી છે. તેમ છતાં, જનરોષ હજુ શમ્યો નથી અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પેરાગ્વેનું ૪૦,૦૦ થી વધુ સભ્યો ધરાવતું સૌથી મોટું શિક્ષક યુનિયન પણ પબ્લિક પેન્શન ફંડના રક્ષણની માંગ સાથે સોમવારથી અનિશ્ચિત સમય માટે દેશવ્યાપી હડતાલ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ૧૯૮૯માં લોકશાહી શાસન પુનઃસ્થાપિત થયા પછીના આ દાયકાના સૌથી મોટા રાજકીય કટોકટી તરીકે આ ઘટનાને જોવામાં આવી રહી છે.
