JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

જબુગામ પંથકમાં આસ્થા અને પરંપરા સાથે કાળીચૌદશની ઉજવણી, મંદિરોમાં ઉમટ્યા ભક્તો

Nov 08, 2026 | 06:40 | By JAMNAGAR MIRROR
જબુગામ પંથકમાં આસ્થા અને પરંપરા સાથે કાળીચૌદશની ઉજવણી, મંદિરોમાં ઉમટ્યા ભક્તો
બોડેલી તાલુકાના જબુગામ પંથકમાં કાળીચૌદશ નિમિત્તે હનુમાનજી અને મહાકાળી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. ગ્રામજનોએ પરંપરાગત વિધિઓ સાથે નકારાત્મક શક્તિઓના નાશ અને સુખ-શાંતિ માટે વિશેષ પૂજા-અર્ચના કરી હતી.

બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીના પર્વના ભાગરૂપે કાળીચૌદશનો તહેવાર અપાર ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો. આસો વદ ચૌદસના આ પવિત્ર દિવસે જબુગામ પંથકના હનુમાનજી અને મહાકાળી માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ પરંપરાગત રીતરિવાજો મુજબ પૂજન-અર્ચન કરીને હનુમાનજી દાદાને તેલ અને સિંદૂર અર્પણ કરી જીવનના કષ્ટો નિવારવા માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ જીવનમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય તે માટે મહાકાળી માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ગ્રામીણ સંસ્કૃતિ અને લોકવાયકાઓને જીવંત રાખતા આ પર્વ પર ગૃહિણીઓ દ્વારા ઘરની આર્થિક તેમજ માનસિક નકારાત્મકતા દૂર કરવા માટે વિશેષ વિધિઓ કરવામાં આવી હતી. પરંપરા મુજબ ગામની ભાગોળ અને ચાર રસ્તાઓ પર વડા મૂકીને ઘરનો કકળાટ ટાળવાની વિધિ પૂર્ણ કરાઈ હતી. બીજી બાજુ, ખેડૂત પરિવારોએ પણ ખેતીની સમૃદ્ધિ માટે અનોખી વિધિઓ કરી હતી. ખેડૂતોએ પોતાના ઘરોમાં અડદની દાળના વડા, પુરી અને ખીર જેવી પરંપરાગત વાનગીઓ બનાવી હતી અને ખેતરમાં આવેલા કૂવા તેમજ બોર પર માતાજીની નવી ચુંદડી, કોડિયા તથા કુલડી ચઢાવી અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજન કર્યું હતું.

આદિવાસી સમાજ દ્વારા ખત્રી દેવ, બાબાદેવ, ભેંસોદેવ અને રાણાદેવ જેવા સ્થાનિક દેવતાઓના સ્થાનકો પર પૂજા-અર્ચના કરી પરિવાર, પશુધન, ખેતી અને સમગ્ર ગામની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી અને શ્રીફળ વધેરી ઝાંપા પૂજન કરવામાં આવ્યું હતું. પ્રખર પંડિત જીગા મહારાજના જણાવ્યા અનુસાર, કાળીચૌદશના ઉપવાસ અને રિવાજોનું મુખ્ય મહત્વ આસુરી શક્તિઓથી સુરક્ષા મેળવવાનું અને દિવાળીના ઉત્સવને નિર્વિઘ્ને પાર પાડવાનું છે. આ પર્વ સાથે જોડાયેલી પરંપરાના ભાગરૂપે પંથકના ભુવા, જાગરીયા, બળવાઓ અને તાંત્રિક વિદ્યાના ઉપાસકો દ્વારા સ્મશાનો તથા નદીના પટ વિસ્તારોમાં વિધિવત તાંત્રિક વિધિઓ પણ કરવામાં આવી હતી.

LATEST ARTICLES