વાઘોડિયા નગરમાં દિવાળીના તહેવારોની શરૂઆતમાં અપેક્ષિત ખરીદી ન દેખાતા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને છેલ્લા એક સપ્તાહથી બજારમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો હતો. જોકે, તહેવાર આડે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે જીઆઈડીસી એસ્ટેટ તેમજ વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા કામદારો અને કર્મચારીઓને બોનસનું સમયસર વિતરણ કરવામાં આવ્યું હતું. બોનસના નાણાં હાથમાં આવતા જ કર્મચારીઓ અને સ્થાનિક રહીશો ખરીદી માટે બજારો તરફ દોડી આવ્યા હતા, જેના કારણે છેલ્લા બે દિવસથી બજારોમાં અચાનક તેજીનો પવન ફૂંકાયો હતો અને વેપારીઓની આશા જીવંત થઈ હતી.
આ મોસમી તેજીનો સૌથી મોટો નજારો કાળી ચૌદસના પાવન અવસરે જોવા મળ્યો હતો, જ્યારે વાઘોડિયાના મુખ્ય બજારો ગ્રાહકોથી ચિક્કાર ભરાઈ ગયા હતા. સવારના દસ વાગ્યાથી શરૂ થયેલી ખરીદીનો આ સિલસિલો મોડી રાત સુધી અવિરતપણે ચાલુ રહ્યો હતો, જેમાં મોંઘવારીના તમામ અંકોડાઓને નજરઅંદાજ કરીને નાગરિકોએ ઉત્સાહભેર તહેવાર ઉજવવાની તૈયારીઓ આદરી હતી. નગરના જાણીતા વિસ્તારો જેવા કે જયઅંબે ચાર રસ્તા, ગાંધી ઉદ્યાન બાગ પાસે, લાઇબ્રેરી ચાર રસ્તા, જૂની પોસ્ટ ઓફિસ અને ખંધા રોડ ઉપર અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં હકડેઘટ ભીડ વચ્ચે લોકોએ જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
આ ખરીદી દરમિયાન રેડીમેડ કપડાં, પગરખાં અને ઘરની સજાવટની વિવિધ કિંમતી ચીજવસ્તુઓના સ્ટોર્સ પર ભારે ધસારો જોવા મળ્યો હતો, તો બીજી તરફ મીઠાઈની દુકાનો અને ફટાકડાના સ્ટોલ પર પણ ગ્રાહકોની લાંબી કતારો જામેલી રહી હતી. છેલ્લી ઘડીએ બજારમાં નીકળેલી આ ગરમાગરમ ઘરાકીના કારણે વેપારીઓ એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે તેમની પાસે શ્વાસ લેવાનો કે વાત કરવાનો પણ સમય નહોતો બચ્યો. લાંબા સમયથી મંદીના મારનો સામનો કરી રહેલા વેપારીઓ આખરે દિવાળીના પર્વ પર થયેલા આબરુદાર વેપારથી ભારે સંતુષ્ટ અને અત્યંત ખુશ નજરે પડ્યા હતા.
