આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ ૧૯૯૯માં થઈ હતી, જ્યારે ગેરાલ્ડિન ટાઇલર નામના મહિલાએ મિનેપોલિસમાં એક વન-બેડરૂમનો કોન્ડોમિનિયમ ખરીદ્યો હતો અને ત્યાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા. વર્ષ ૨૦૧૦માં તેઓ સિનિયર લિવિંગ ફેસિલિટીમાં શિફ્ટ થઈ ગયા, પરંતુ આ પ્રોપર્ટી તેમની માલિકીની જ રહી હતી. સમય જતાં પ્રોપર્ટી ટેક્સ ન ભરવાને કારણે ૨૦૧૫ સુધીમાં મૂળ ૨,૩૦૦ ડૉલરનું દેવું વ્યાજ અને દંડ સહિત વધીને આશરે ૧૫,૦⁰૦ ડૉલર સુધી પહોંચી ગયું હતું. આ ટેક્સ દેવા સામે હેનેપિન કાઉન્ટીએ કડક પગલું ભરતા આ પ્રોપર્ટી જપ્ત કરી લીધી હતી અને તેને ૪૦,૦૦૦ ડૉલરમાં વેચી દીધી હતી. નિયમ મુજબ ટેક્સની રકમ કાપ્યા બાદ બાકીના નાણાં માલિકને પરત મળવા જોઈએ, પરંતુ કાઉન્ટીએ ટેક્સની રકમ વસૂલ્યા પછી બાકીની તમામ વધારાની રકમ પોતાની પાસે જ રાખી લીધી હતી.
આ અન્યાય સામે લડત આપતા ૯૪ વર્ષીય ગેરાલ્ડિન ટાઇલરે અદાલતમાં દલીલ કરી હતી કે સરકાર દ્વારા વધારાની રકમ જપ્ત કરવી એ અમેરિકાના બંધારણના પાંચમા સુધારા હેઠળના 'ટેકિંગ્સ ક્લૉઝ' (Takings Clause) અને આઠમા સુધારાના 'એક્સેસિવ ફાઇન ક્લૉઝ' (Excessive Fines Clause)નું ઉલ્લંઘન છે. જો કે, શરૂઆતમાં ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને યુએસ કોર્ટ ઓફ અપીલ્સે આ કેસ ફગાવી દીધો હતો અને કાઉન્ટીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. નીચલી કોર્ટોના આ ચૂકાદાથી નિરાશ થયા વગર ટાઇલરે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે યુએસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડ્યો, જ્યાં ન્યાયની આશા બંધાઈ હતી.
૨૫ મે ૨૦૨૩ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે ૯-૦ ની સર્વાનુમતે ગેરાલ્ડિન ટાઇલરની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારને કરવેરા વસૂલવા માટે મિલકત વેચવાનો અધિકાર છે, પરંતુ મિલકતના વાસ્તવિક મૂલ્યમાંથી ટેક્સની રકમ બાદ કરતા વધતા વધારાના નાણાં (Surplus) પોતાની પાસે રાખવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય ફગાવીને એ વાત પર મહોર મારી કે નાગરિકોના મિલકતના અધિકારોનું રક્ષણ કરવું કાયદાકીય રીતે અનિવાર્ય છે, જેણે સમગ્ર દેશમાં સરકારી વહીવટી તંત્રો માટે એક મોટો દાખલો બેસાડ્યો છે.
