ઐતિહાસિક અને માતૃગયા તીર્થ તરીકે ખ્યાતિ પામેલા સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના અવસરે ભવ્ય સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. સરસ્વતી નદીના ખોળામાં યોજાતા આ લોકમેળાની મોજ માણવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દૂર-દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડે છે. આ વિશાળ મેળાની સફળતા અને ઉત્સવના આયોજન માટે વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા મહિનાઓ અગાઉથી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતો હોય છે, જેમાં મેળાની શોભા વધારતી ચકરડીઓ, મનોરંજનના સાધનો તેમજ ખાણીપીણી અને વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સની ફાળવણી મુખ્ય આકર્ષણ રહે છે.
આ વર્ષે યોજાનાર મેળા માટે સ્ટોલ્સ અને ચકરડીઓની ફાળવણી હેતુસાથે બહાર પાડવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયા સિદ્ધપુર નગરપાલિકાના ઈતિહાસમાં એક સીમાચિહ્ન સમાન સાબિત થઈ છે. પાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકીની વિશેષ પહેલથી પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ ૩૬ નગરસેવકો, પદાધિકારીઓ, પાલિકાના કર્મચારીઓ તેમજ પત્રકારોની ઉપસ્થિતિમાં તદ્દન ખુલ્લી રીતે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા, ચીફ ઓફિસર કૃપેશ પટેલ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ભાવેશભાઈ રાજ્યગુરૂ સહિતના અગ્રણીઓની સક્રિય ઉપસ્થિતિ રહી હતી, જેણે સમગ્ર પ્રક્રિયાને વધુ વિશ્વાસપાત્ર બનાવી હતી.
નગરપાલિકા દ્વારા અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી આ ખુલ્લી અને પારદર્શક હરાજી પ્રક્રિયાને કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સ્થાનિક જનતા અને નગરસેવકોએ પાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકીના આ નવતર અને પારદર્શક વહીવટી અભિગમને ખુલ્લા મનથી બિરદાવ્યો છે. લોકહિત અને વહીવટી પારદર્શિતાના આ ડગલાથી માત્ર મેળાના આયોજનમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ પાલિકાના કાર્યોમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી પ્રબળ આશા સિદ્ધપુરના નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.
