JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

કચ્છના કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિની અપીલ: 'ધોકા' જેવી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર રહો

Nov 08, 2026 | 02:00 | By JAMNAGAR MIRROR
કચ્છના કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિની અપીલ: 'ધોકા' જેવી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓથી દૂર રહો
કચ્છના પ્રખ્યાત કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ મહારાજે આગામી દિવાળીના તહેવારને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે 'ધોકા'ની પરંપરાને સનાતન ધર્મમાં ભાગલા પાડતી ખોટી માન્યતા ગણાવીને તિથિ અનુસાર જ તહેવારો ઉજવવા આહ્વાન કર્યું છે.

કચ્છની ધરા પર આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ મહારાજે દિવાળીના પાવન પર્વ ટાણે સમાજમાં પ્રવર્તતી એક ખોટી પરંપરા સામે મોરચો ખોલ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તહેવારો વચ્ચે 'ધોકા'ના દિવસો હોવાની જે માન્યતા સમાજમાં ઘર કરી ગઈ છે, તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સનાતન ધર્મમાં આવી કોઈ પરંપરા કે શાસ્ત્રોક્ત આધાર નથી, છતાં છેલ્લા ૩૫ વર્ષથી આ માન્યતા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. મહારાજના આ નિવેદનથી ધાર્મિક વર્તુળોમાં એક મોટો અને સકારાત્મક સંદેશ વહેતો થયો છે, જે અંધશ્રદ્ધા પર પ્રહાર કરે છે.

વધુમાં સ્પષ્ટતા કરતા મહંત ચારણ ઋષિએ જણાવ્યું હતું કે પંચાંગ અને આપણા મહાન ઋષિમુનિઓનાં વચનો જ તહેવારોની ઉજવણી માટેનું સાચું પ્રમાણ છે. જો ક્યારેક સંજોગોવશાત્ એક જ દિવસે બે તહેવાર આવતા હોય, તો તેને ભેદભાવ વગર એકસાથે જ ઉજવવા જોઈએ. દિવસ માત્ર સમયનું એક ચક્ર છે, તેમાં કોઈ દિવસ 'ખાલી' કે 'ભરેલો' અથવા અશુભ હોતો નથી. તેમણે આગામી દિવાળીના તહેવાર સંદર્ભે ખાસ અપીલ કરતા કહ્યું છે કે, દિવાળી પછી તુરંત જ સોમવારના દિવસે બેસતું વર્ષ ઉજવવું જોઈએ, અને કોઈપણ પ્રકારના ધોકાના ભ્રમમાંધા વગર ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરવી જોઈએ.

મહંતે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે આવી અશાસ્ત્રીય માન્યતાઓ અને પરંપરાઓ માત્ર સનાતન ધર્મમાં ભાગલા પાડવાનું કે તેને નબળો પાડવાનું જ કામ કરે છે. ધર્મ પ્રેમી જનતાએ હવે જાગૃત થવાની જરૂર છે અને રૂઢિચુસ્ત વિચારોને તિલાંજલિ આપીને શાસ્ત્રોક્ત પદ્ધતિ અપનાવવી જોઈએ. મોગલધામના મહંત દ્વારા કરવામાં આવેલી આ તર્કબદ્ધ અને સ્પષ્ટ અપીલને કારણે કચ્છ સહિત સમગ્ર ગુજરાતભરના શ્રદ્ધાળુઓમાં સનાતન સંસ્કૃતિના સાચા સ્વરૂપને સમજવાની નવી ચેતના જાગી છે.

LATEST ARTICLES