પાટણ જિલ્લાભરમાં દિવાળીના પાવન તહેવારોનો માહોલ પૂરા જોશમાં ખીલ્યો છે અને વાઘબારસથી જ ઉત્સવનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. તહેવારોની આ મોસમમાં પાટણના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બજારોમાં કપડાં, ફરસાણ, મીઠાઈઓ અને ફટાકડાની દુકાનો પર ગ્રાહકોની ઉત્સાહભરી અવરજવરથી અદભુત રોનક છવાઈ છે. ધંધ રોજગાર કે નોકરી અર્થે બહારગામ રહેતા લોકો પોતાના વતન પરત ફર્યા હોવાથી પાટણના ગ્રામ્ય વિસ્તારો પણ લોકોથી ભરચક અને ધમધમતા નજરે પડી રહ્યા છે, જેનાથી પરિવારના પુનઃમિલનનો આનંદ બેવડાયો છે.
દીપોત્સવના આ ખાસ અવસરે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં મીની વેકેશન જેવો માહોલ સર્જાયો હોવાથી અનેક પરિવારોએ પોતાના વ્હાલાં સ્વજનો સાથે બહાર ફરવા જવાનું આયોજન પણ કર્યું છે. સોમવારે પડતર દિવસ હોવાથી લોકો તૈયારીઓને આખરી ઓપ આપશે અને મંગળવારે સમગ્ર જિલ્લામાં 'બેસતું વર્ષ' હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. નવા વર્ષના આ પાવન દિવસે વહેલી સવારથી જ લોકો પોતાના ઈષ્ટદેવોના દર્શન કરી ધન્યતા અનુભવશે તેમજ એકબીજાને ભેટીને નૂતન વર્ષાભિનંદન પાઠવશે. આ ઉપરાંત, કેટલાક વિશેષ સ્થળોએ ધાર્મિક ભાવના સાથે યજ્ઞોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે તહેવારના વાતાવરણમાં આધ્યાત્મિક રંગ ઉમેરે છે.
નવા વર્ષની આ હારમાળામાં આગામી બુધવારે 'ભાઈબીજ'ના પર્વની પણ પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે, જેમાં ભાઈઓ પોતાની બહેનોના ઘેર જઈને સ્નેહ મિલન કરશે. આમ, વાઘબારસથી શરૂ થયેલી આ પાંચ દિવસીય તહેવારોની શૃંખલા પાટણવાસીઓ માટે ખુશીઓ, ઉમંગ અને ઉત્સાહ લઈને આવી છે. બજારોમાં ગમા-અણગમા ભૂલીને ઉત્સવના રંગે રંગાયેલા લોકોનો ઉત્સાહ એ વાતની સાક્ષી પૂરે છે કે પાટણ જિલ્લામાં દિવાળીનો આ તહેવાર પારિવારિક પ્રેમ અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બનીને આવ્યો છે.
